મોરબી નજીક કોલસા ચોરીના કૌભાંડમાં એલસીબીની ટીમે કરી મુખ્ય સૂત્રધારની ધરપકડ: આરોપી જેલ હવાલે
SHARE
મોરબી નજીક કોલસા ચોરીના કૌભાંડમાં એલસીબીની ટીમે કરી મુખ્ય સૂત્રધારની ધરપકડ: આરોપી જેલ હવાલે
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીકથી કોલસા કૌભાંડ ઝડપાયું હતું જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તેવામાં આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને એલસીબીની ટીમે પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને અને હાલમાં આરોપીને જેલા હવાલે કરવામાં આવેલ છે.
મોરબી એલ.સી.બી. દ્વારા ગઇ તા. ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ હકીકત આધારે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળની સામે એ.બી.સી. મીનરલ્સની બાજુમાં આવેલ પ્લોટમાં રેઇડ કરી હતી ત્યારે મુદ્રાપોર્ટથી ટ્રકોમાં ભરાઈ આવતો ઇમ્પોર્ટ કોલસો કોડીનાર અંબુજા સીમેન્ટ ફેક્ટરીમાં જતો હોય જે ટ્રકોના ડ્રાઇવર તથા માલીક સાથે સંપર્ક કરી ટ્રકોમાં કંપની દ્વારા લગાડેલ જી.પી.એસ. સીસ્ટમ તથા સીલ ખોલી ટ્રકોમાં ભરેલ ઇમ્પોર્ટ કોલસો કાઢી લઇ તેમાં હલકી ગુણવતાવાળો કોલસો ભેળવી કોલસા ચોરી અંગેનુ કૌભાંડ ચાલતુ હોવાનું ધ્યાને આવ્યું હતું.
જેથી સ્થળપરથી ઇમ્પોર્ટ કોલસો, હલકી ગુણવતાવાળો કોલસો, ટ્રક, ટ્રેક્ટરલોડર, હિટાચીમશીન, મોટર સાયકલ, મોબાઇલ ફોન તથા અન્ય મુદામાલ મળી કુલ ૧,૦૯,૫૫,૦૦૦ ના મુદામાલને કબ્જે કર્યો હતો અને આ ગુનામાં જે તે સમયે સ્થળ ઉપરથી ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ અત્યાર સુધીમાં આ ગુનામાં પોલીસે ક્રમશઃ કુલ ૯ આરોપીને પકડ્યા છે અને હાલમાં આ ગુનામાં એલસીબીના પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને તેની ટિમ દ્વારા મુખ્ય સૂત્રધાર નિકુંજ ભૂપતભાઇ રાજપરા (26) રહે. લીલાપર ગુરુદેવ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
યુવતી સારવારમાં
મોરબીના સામાકાંઠે રીલીફનગર વિસ્તારમાં રહેતા પરિવારની નંદનીબેન રાજેન્દ્રભાઈ મકવાણા નામની ૧૯ વર્ષની યુવતી નગર દરવાજા પાસેથી સ્કૂટર લઈને જતી હતી ત્યાં રીક્ષા ચાલકે તેને હડફેટે લેતા માથા અને પગના ભાગે ઈજા થતા મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ હોય રાજકોટથી યાદી આવી હતી.જેને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.
ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ
મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પાસેથી એક વ્યક્તિની ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી.તેની ઉંડી તપાસ દરમિયાન વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે. એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.સી.ગોહિલ દ્વારા એનડીપીએસના ગુનામાં યુસુફખાન અબ્દુલગફારખાન પઠાણ (૪૭) રહે.અમદાવાદ સરખેજ મકરબા બાદરાબાગ મોઈન ડુપ્લેક્સ અમીનભાઇ જાંબુવાલાના મકાનમાં ની ધરપકડ કરેલ છે.









