હળવદમાં સગીરાની આબરૂ લેવાનો પ્રયાસ કરવાના ગુનામાં આરોપીને 5 વર્ષની સજા
મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ સમક્ષ વિવિધ ૩૬ પ્રશ્નોનો ઢગલો: ચેમ્બર ઓફ કોમર્સ અને સિરામિક સહિતના એસો.ના આગેવાનો સાથે ઓપન હાઉસ યોજાયું
SHARE
મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ સમક્ષ વિવિધ ૩૬ પ્રશ્નોનો ઢગલો: ચેમ્બર ઓફ કોમર્સ અને સિરામિક સહિતના એસો.ના આગેવાનો સાથે ઓપન હાઉસ યોજાયું
ગુજરાતના રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને સિરામિક સહિતના વિવિધ એસો.ના આગેવાનો સાથે ઓપન હાઉસ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા યોજાયુ હતું જેમાં શ્રમિકોને પીવા માટેના પાણી, ઔદ્યોગિક વિસ્તારના રોડ રસ્તા તથા બંધ પડેલા કારખાનાઓની બાંધકામ જંત્રી સહિતના 36 જેટલા વિવિધ વિભાગને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેના નિકાલ માટેની પ્રભારી મંત્રીએ ખાતરી આપેલ છે.
મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઓપન હાઉસમાં આવેલા આગેવાનોને જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં મોરબીના ઉદ્યોગનું મહત્વનું યોગદાન છે. ત્યારે કોઈ પણ જિલ્લાના ઉધોગગૃહના વિવિધ સ્થાનિક, વહીવટી કે રાજ્યકક્ષાના પ્રશ્નો જાણી તેમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આવે તેમજ આ બાબતે સમયાંતરે સમીક્ષા કરવામાં આવે તેવુ રાજ્ય સરકારનું વિઝન છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, મોરબી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકારનો અભિગમ સકારાત્મક છે એટલે જ મોરબીને મહાનગરપાલિકા અને ટંકારાને નગરપાલિકા બનાવી છે ત્યારે ઉધોગોના વધુ વેગ માટે તેમજ મૂંઝવતા પ્રશ્નો માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે. નીતિ વિષયક સિવાયના પ્રશ્નોના નિરાકરણની મંત્રીએ ખાતરી આપી હતી.
આ બેઠકમાં મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા ગુજરાત ગેસનો જીએસટીમાં સમાવેશ કરવામાં આવે, એસજીએસટીની ડિવિઝન ઓફિસ મોરબીમાં કાર્યરત કરવામાં આવે, સીરામીક ટેસ્ટિંગ લેબોરેટરી માટે જમીનની ફાળવણી કરવામાં આવે, સીરામીક ઔદ્યોગિક વિસ્તારમાં રોડ રસ્તા લાઇટિંગ અને ટ્રાન્સપોર્ટ પાર્કિંગની સુવિધા આપવામાં આવે, સીરામીકમાં કામ કરતાં શ્રમિકો માટે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે, ઉદ્યોગોકારના બંધ પડેલા કારખાનાના શેડ જંત્રી દર વિસંગતતાના કારણે વેચાતા નથી તે માટે યોગ્ય નિર્ણય કરવામાં આવે, સીરામીક કારખાનામાં ઘસારાના દરના કારણે જુના કારખાનાની લે-વેચ થતી ન હોય તે બાબતે યોગ્ય કરવામાં આવે, ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રીંગરોડ અને ટ્રાન્સપોર્ટ નગર જેવી સુવિધા આપવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી
તે ઉપરાંત મરીન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસો. દ્વારા લવણપુર નવલખી જુમાવાડી વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવે, નાનાભેલા ગામ થી બગસરા સુધી અગરિયાઓ માટે પાણીની પાઇપલાઇન નાખવામાં આવે, રણ વિસ્તારમાં ઉત્પાદિત થતાં મીઠાને બહાર લાવવા માટે કાચા રસ્તાઓની જગ્યાએ પાકા ડામરના રસ્તા બનાવી આપવામાં આવે, મીઠાના ઉત્પાદન માટે ભાડા પટ્ટે આપેલ જમીનના સમયસર ભાડા પટ્ટા રીન્યુ કરી આપવામાં આવે અગરિયાઓ માટે પીણા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે સહિતના પ્રશ્નો આ બેઠકની અંદર રજૂ કરવામાં આવ્યા હતા તો વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજકોટના હીરાસર એરપોર્ટ અને મોરબીને કનેક્ટિવિટી માટે કુવાડવાનો બ્રિજ વહેલી તકે બનાવવામાં આવે, નવું ટોલનાકો બની રહ્યું છે તેના માટે જિલ્લામાં ફ્રી પાસની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ઉધોગપતિઓ, ઉધોગગૃહના પ્રતિનિધિઓને આવકારીને ઓપન હાઉસનો હેતુ જણાવતા કહ્યું હતું કે ઉધોગગૃહના પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર પૂરતો સહયોગ આપશે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, કલેક્ટર કે. બી. ઝવેરી, મ્યુ.કમિશનર સ્વપ્નિલ ખરે, પોલિસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઠવી, અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી. પારેજિયા સહિતના સબંધિત અધિકારીઓ, ઉધોગપતિઓ, ઉધોગગૃહના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.









