મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન: ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન
મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો
SHARE
મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો
મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની અસ્મિતા તથા એકતાને વધુ સુદ્રઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું મચ્છુ માતાજીનાં મંદિરે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને રબારી અને ભરવાડ સમાજના રાજકીય અને સમાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી સમયમાં બંને સમાજ શિક્ષણ, સંગઠન અને રાજકારણમાં આગળ વધે અને વધુ મજબૂત બને તે વાત ઉપર રબારી અને ભરવાડ સમાજના આગેવાનો દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો.
વર્તમાન સમયમાં સમાજના વિકાસ માટે સંગઠનશક્તિ અનિવાર્ય છે ત્યારે "એકલા ચાલશો તો કદાચ ઝડપથી પહોંચી જશો, પણ સાથે મળીને ચાલશો તો દૂર સુધી અને મજબૂતીથી પહોંચશો" તે ભાવનાને સાર્થક કરવા માટે મોરબીમાં રબારી અને ભરવાડ સમાજ એકતા સમિતિ દ્વારા મચ્છુ માતાજીનાં મંદિરે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાંથી રબારી અને ભરવાડ સમાજના આગેવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં યુવાનો આવ્યા હતા.
આ બેઠકમાં બંને સમાજના આગેવાનોએ ખાસ કરીને ખભેથી ખભો મિલાવીને એક મજબૂત અને અજેય સંગઠનનું નિર્માણ કરવા માટે આહ્વાન કર્યું હતું અને મોરબી જિલ્લામાંથી તેની શરૂઆત કરીને આખા ગુજરાતમાં રબારી અને ભરવાડ સમાજનું મજબૂત સંગઠન બને તેવું આયોજન કરવા આગેવાનોએ જણાવ્યુ હતું. મોરબીના આંગણે યોજાયેલ સંગઠન બેઠકમાં બંને સમાજના આગેવાનો દ્વારા શિક્ષણ અને સંગઠન ઉપર તો ભાર મૂકવામાં આવ્યો જ હતો સાથો સાથ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રબારી અને ભરવાડ સમાજ રાજકારણમાં પણ મજબૂત રીતે આગળ આવે તે માટે સંગઠન શક્તિ અનિવાર્ય છે તેવી લાગણી સહુ આગેવાનોએ મંચ ઉપરથી વ્યક્ત કરી હતી.
અત્રે ઉલેખનીય છેકે, સંગઠનનું નિર્માણ કરવા માટે યોજાયેલ આ બેઠક માટે કોઈને પણ લેખિતમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું બસ ખાલી સોશ્યલ મીડિયામાં મેસેજ કરવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં લોકો મચ્છુ માતાજીનાં મંદિરે સંગઠન માટેની બેઠકમાં આવી ગયા હતા. આ કાર્યક્રમમાં મચ્છુ માતાજી મંદિરના મહંત તેમજ દેવેનભાઇ રબારી, વિનોદભાઇ ડાભી, હીરાભાઈ ટમારિયા સહિતના રબારી અને ભરવાડ સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.