મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ
SHARE
મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઈંચ
મોરબી જિલ્લામાં શુક્રવારના દિવસ દરમિયાન ખૂબ સારો વરસાદ થયો છે અને પાંચેય તાલુકાઓમાં વરસાદ થવાના કારણે સ્થાનિક જળાશયોની અંદર મોટા પ્રમાણમાં નવા નીરની આવક થયેલ છે જો વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો સૌથી વધુ વાંકાનેર તાલુકામાં 7 ઇંચ, મોરબીમાં 4.50, માળિયામાં 4 ઇંચ તેમજ વાંકાનેર અને હળવદમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો હોવાની માહિતી જાણવા મળી રહી છે
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર અને માળિયા તાલુકામાં શુક્રવારે સવારથી લઈને શનિવારે સવાર સુધી 24 કલાકમાં ખૂબ સારો વરસાદ થયો છે અને વરસાદ થવાના કારણે જે મોરબી જિલ્લાના 10 જેટલા સ્થાનિક ડેમ છે તે તમામ ડેમમાં નવા નીરની આવક થયેલ છે અને 10 પૈકીના બ્રાહ્મણી બે, ઘોડાધ્રોઈ, મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે
વધુમાં જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી વિગત પ્રમાણે મોરબીમાં છેલ્લી 24 કલાકની અંદર માળિયા તાલુકામાં 4 ઇંચ, મોરબી તાલુકામાં 4.5, ટંકારા તાલુકામાં 1.75 ઇંચ, હળવદ તાલુકામાં 2 ઇંચ અને વાંકાનેર તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ જેટલો વરસાદ થયો છે અને આજે સવારથી વરસાદે મોરબી જિલ્લામાં વિરામ લીધો છે જોકે આકાશમાં હજૂ પણ કાળા ડિબાગ વાદળો જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા પણ આજે મોરબીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે હજુ પણ વરસાદ થાય તેવી શક્યતાઓ છે જોકે મોરબીનો મહાકાય મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો હોવાના કારણે તેના ચાર દરવાજાને સાત ફૂટ સુધી ખોલીને હાલમાં નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે
વાંકાનેર શહેરમાં 24 કલાકની અંદર સાત ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે નેશનલ હાઇવે અને સર્વિસ રોડ તથા સોસાયટી વિસ્તારની અંદર પાણી ઘૂસી ગયા હતા ત્યારે મોરબીમાં 4.50 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં પડ્યું છે ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ, હાઉસિંગ બોર્ડ, ઋષિકેશ વિદ્યાલય પાસેની સોસાયટીઓ, કુબેરનગર વિસ્તાર વગેરે જગ્યાએ લોકોના ઘર અને દુકાનની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે તેવી જે વાતો કરવામાં આવી હતી તેની પોલ મેઘરાજાએ ખોલી નાખી હતી