વાંકાનેરના રંગપર ગામે રીષામણે બેઠેલ પત્ની વારંવાર તેડવા જવા છતા આવતી ન હોય યુવાને આયખુ ટુંકાવ્યુ
SHARE









વાંકાનેરના રંગપર ગામે રીષામણે બેઠેલ પત્ની વારંવાર તેડવા જવા છતા આવતી ન હોય યુવાને આયખુ ટુંકાવ્યુ
વાંકાનેર તાલુકાના રંગપર ગામે વાડીએ ગયેલા યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનુ મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા પ્રવિણભાઇ ખીમાભાઇ ગોગીયા (ઉમર ૨૪) પોતાની વાડીએ ગયા હતા અને ત્યારે તેમણે ત્યાં ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ ડી.એ.જાડેજાએ આપઘાતના બનાવની તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે મૃતક પ્રવીણભાઈના પત્ની છેલ્લા ઘણા સમયથી તેમના ત્રણ સંતાનોને લઈને રિસામણે ચાલ્યા ગયા હોય અને વારંવાર પ્રવીણભાઈ તેમને તેળવા માટે જતા હોય પરંતુ તે આવતી ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા તેણે ઉપર અંતિમ પગલું ભરી લીધું હતું.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા જાગૃતીબેન ચિરાગભાઈ મકવાણા નામની ૨૮ વર્ષીય મહિલાને મોરબીના નગર દરવાજા પાસે આવેલ જે.પી.જવેલર્સ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેણીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે મોરબીના લાલપર ગામે રહેતા નર્મદાબેન દિપચંદભાઇ નામની ૨૫ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં લીલાપર રોડ ઉપર તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત નર્મદાબેનને સારવાર માટે ખસેડાયા હતા.
યુવાન સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ દલવાડી ચોકડી પાસે આવેલા આનંદનગર વિસ્તારમાં રહેતા રાજુભાઇ રામભાઇ મકવાણા નામના ૩૨ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પોલીસ નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા હાર્દિક કાનાભાઈ મકવાણા અને રવિ પેથાણી જાતે રાવળદેવ નામના બે ઈસમો દ્વારા તેની સાથે બોલાચાલી કરીને સિવિલ હોસ્પિટલમાં મારામારી કરવામાં આવી હતી તે દરમિયાન તે પડી જતા ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો પોલીસે આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.તેમજ માળીયા મિંયાણા ખાતે રહેતા રમજાનભાઈ યુનુસભાઇ મોવર નામના ૩૦ વર્ષીય યુવાનને માળીયા ખાતે મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
