ઝુલતા પુલની ઘટના બાદ મોરબી પાલિકામાં આજે મળનાર જનરલ બોર્ડની બેઠકમાં ઐતિહાસિક ઘટના બને તેવા સંકેત
SHARE
ઝુલતા પુલની ઘટના બાદ મોરબી પાલિકામાં આજે મળનાર જનરલ બોર્ડની બેઠકમાં ઐતિહાસિક ઘટના બને તેવા સંકેત
મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી અને તે સંદર્ભે હજુ સુધી મુખ્ય આરોપી કોણ ? મુખ્ય દોષિત કોણ ? તે સ્પષ્ટ થયું નથી અને હાઇકોર્ટમાં સુઓમોટો તેમજ જાહેર રીતની અરજી બાબતે સુનવણીઓ ચાલી રહી છે બીજી બાજુ ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલને પકડવા માટેની ગતિવિધિને તેજ કરવામાં આવી છે અને સરકાર તરફથી મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે ત્યારે આજે મોરબી નગરપાલિકા કચેરી ખાતે બપોરે ત્રણ વાગ્યે જનરલ બોર્ડની બેઠક બોલવામાં આવી છે જેમાં ઐતિહાસિક ઘટના બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ! કારણ કે, પક્ષ તરફથી કોઈ સૂચના કે આદેશ આપવામાં આવ્યો નથી જેથી કરીને જનરલ બોર્ડની બેઠકમાં મોરબી પાલિકાના ચૂંટાયેલા બાવન સભ્યોમાંથી મોટાભાગના સભ્યો ગેરહાજર રહે તે પ્રકારની ચર્ચાઓ હાલમાં થઈ રહી છે અને જો સભ્યો હાજર રહેશે તો હોબાળો થશે તેવો પણ ગણગણાટ થઈ રહ્યો છે ત્યારે આજના બોર્ડ ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.
મોરબી નગરપાલિકાની માલિકી વાળો ઝુલતો પુલ માત્ર ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને ઓરેવા ગ્રુપને સંચાલન માટે પાલિકા દ્વારા ૧૫ વર્ષ માટે આપવામાં આવ્યો છે અને આ કરાર બાદ પાલિકામાં જે રોજકામ કરવામાં આવ્યું હતું તેમાં ઓરેવા ગ્રુપને જુલતો પુલ આપવા માટે જે કરાર થયો છે તેને જનરલ બોર્ડમાં મંજુર કરાવવાની અપેક્ષા સાથે કામ આપવામાં આવ્યું હતું જોકે, ત્યારબાદ મળેલ જનરલ બોર્ડની બેઠકમાં જુલતા પુલ બાબતનો ઠરાવ કરવામાં આવ્યો ન હતો જેથી કરીને ઘણા બધા પ્રશ્નો હાલમાં પાલિકા સામે ઊભા છે અને પાલિકાના વર્તમાન સત્તાધિશોની બેદરકારીના કારણે સરકાર પણ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા માટેની વિચારણા કરી રહી છે તેવું છેલ્લા ઘણા સમયથી જોવા જાણવા મળી રહ્યું છે દરમિયાન સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી નગરપાલિકાના પ્રમુખને કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે અને આગામી તા. ૨૫ સુધીમાં જનરલ બોર્ડની બેઠક બોલાવીને ત્યારબાદ સરકારમાં જવાબ રજૂ કરવા માટે થઈને કહેવામાં આવ્યું હતું જેથી આજે તા ૨૩ ના રોજ બપોરે ત્રણ વાગ્યે મોરબી પાલિકા કચેરી ખાતે જનરલ બોર્ડની બેઠક પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવેલ છે.
પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાં થતી ચર્ચા મુજબ આજના જનરલ બોર્ડની અંદર અગાઉના જનરલ બોર્ડમાં લેવામાં આવેલા એજન્ડાને બહાલી આપવી, સરકાર દ્વારા આપવામાં આવેલ નોટિસનો એજન્ડા અને પ્રમુખ સ્થાનેથી પણ કેટલાક એજન્ડા મુકવામાં આવે તેવી શક્યતાઓ છે જોકે, ગત માર્ચ મહિનામાં પાલિકામાં નાણાકીય વર્ષના બજેટ માટે બોર્ડ બોલાવવામાં આવ્યું હતું ત્યારબાદ ૯ મહિનામાં પાલિકાના પ્રમુખ દ્વારા પાલિકાની અંદર જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવેલ નથી તેવામાં સરકારની નોટિસ મળ્યા પછી તાબડતોબ જે જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે તેમાં જવું કે નહીં તેની ચર્ચાઓ અને ગણગણાટ પાલિકાના ચૂંટાયેલા સભ્યો વચ્ચે થઈ રહ્યો છે.
બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આજે મળનાર જનરલ બોર્ડની બેઠકમાં પાલિકાના ચૂંટાયેલા બાવન સભ્યોમાંથી મોટાભાગના સભ્યો ગેરહાજર રહે તેવી શક્યતાઓ છે અને જો હાજર રહેશે તો તેમાં હોબાળા થાય તેવી શક્યતા છે અત્રે ઉલ્લેખનીએ છે કે અગાઉ હાઇકોર્ટમાં પાલિકાના બચાવ પક્ષે વકીલ રાખવા બાબતનો પાલિકામાંથી સર્ક્યુલેટિવ ઠરાવ કાઢવામાં આવ્યો હતો તેમાં પણ પાલિકાના મોટાભાગના સભ્યો દ્વારા સહમતી માટે સહી કરવામાં આવેલ ન હતી અને આજે મળનાર જનરલ બોર્ડની બેઠક બાબતે પક્ષ તરફથી કોઈપણ સૂચના ચૂંટાયેલા સભ્યોને સવારે દસ વાગ્યા સુધી આપવામાં આવી નથી જેથી કરીને એક મતે આજના બોર્ડની અંદર કોઈ ઠરાવ થાય તેવી શક્યતાઓ નહિવત દેખાઈ રહી છે અને પાલિકાના ચૂંટાયેલા સભ્યોને મૂંઝવણ ભરી અને મુશ્કેલી વાળી સ્થિતિમાં પક્ષ દ્વારા રમતા મૂકી દેવામાં આવ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.