મોરબીની વીસી હાઈસ્કૂલ પાછળના ભાગે પરપ્રાંતિય યુવાન ઉપર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતા રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીની વીસી હાઈસ્કૂલ પાછળના ભાગે પરપ્રાંતિય યુવાન ઉપર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતા રાજકોટ ખસેડાયો
મોરબીની વીસી હાઇસ્કૂલની પાછળના ભાગે રેલ્વે સ્ટેશન જતા રસ્તે સાંજના સમયે ઇંડાની લારી પાસે ફુટપાથ ઉપર જીવલેણ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પરપ્રાંતિય યુવાનની ઉપર અજાણ્યા શખ્સે છરી વડે પડખાના ભાગે હુમલો કરી દેતા પરપ્રાંતિય યુવાનના આંતરડા બહાર આવી જતા લોહી નિતરતી હાલતમાં તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો અહીં રાબેતા મુજબ પાટાપીંડી કરીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જેથી એ ડિવિઝન પોલીસે રાજકોટ જઈને ફરિયાદ લેતા હાલ ભોગ બનેલ યુવાન દ્વારા અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીની વીસી હાઇસ્કુલની પાછળ રેલ્વે સ્ટેશન જતા રસ્તે ઈંડાની લારીની બાજુમાં ફૂટપાથ પાસે ગત તા.૧ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં જીવલેણ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રમેશકુમાર ખુરેમયોગી જાતે વાલ્મિકી (ઉમર ૪૫) રહે.શાંતિનગર થાના ચટીયા હરદોઈ ઉત્તરપ્રદેશ નામના યુવાનને અજાણ્યા ઇસમે પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા જીંકી દેતા રમેશકુમારના પેટના ભાગમાંથી આંતરડા બહાર આવી ગયા હતા અને લોહી નિંતરતી હાલતમાં તે રોડ ઉપર પડ્યો હોય કોઈના દ્વારા ૧૦૮ ને બોલાવવામાં આવી હતી અને ૧૦૮ દ્વારા તેને અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જો કે અહીં જીલ્લા કક્ષાની સિવિલમાં ટ્રોમા સેન્ટરનો અભાવ હોય રાબેતા મુજબ પાટાપીંડી કરીને ઇજાગ્રસ્ત રમેશકુમારને વધુ સારવાર માટે રાજકોટ ધકેલાયો હતો જેને પગલે સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પી.આર સોનારા તથા સ્ટાફ દ્વારા રાજકોટ પહોંચીને રમેશકુમારની ફરિયાદ લેવામાં આવતા રમેશકુમારે આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે વીસી હાઈસ્કૂલ પાછળ રેલ્વે સ્ટેશન જતા રસ્તે ઈંડાની લારીની બાજુમાં બેઠો હતો ત્યારે ત્યાં બાજુમાં બેઠેલ મહિલા પાસે તેણે જમવાનું માગ્યું હતું ત્યારે મહિલાએ ના પાડીને મોં બગાડી છણકો કર્યો હતો જેથી રમેશકુમારે મહીલાને છણકો કરી મોં બગાડવાની ના પાડી હતી તે બોલાચાલી દરમિયાનમાં ફુટપાથ ઉપર તેઓની બાજુમાં બેઠેલા કોઈ અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષના યુવાને તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી હતી અને રમેશકુમારને પડખાના ભાગે જીંકી દેતા રમેશકુમારના આંતરડા બહાર આવી ગયા હતા અને લોહી નીકળતી હાલતમાં તેને સારવારમાં ખસેડાયો હતો.હાલ રમેશકુમાર ખુરેમયોગી નામના ઉત્તરપ્રદેશના ભોગ બનેલા યુવાનની ઉપરોકત ફરિયાદ ઉપરથી પોલીસે આઇપીસીની કલમ ૩૦૭ (ખૂનની કોશિશ) અને ૧૩૫ મુજબ મુજબ અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની સામે ફરિયાદ નોંધીને અજાણ્યા હુમલાખોર શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે જેમાં સીટી એ ડીવીઝન પીઆઇ હકુમતસિંહ જાડેજા અને એલસીબી પીએસઆઇ ચૌહાણ તેમજ પીએસઆઇ પી.આર.સોનારા સહીતનો સ્ટાફ તપાસમાં જોડાયો હોવાનું જાણવા મળેલ છે.
ગુમ થયેલ મહિલા પરત ફરી
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ રામધન આશ્રમ નજીકના મહેન્દ્રનદર ગામે રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા ખુશ્બુબેન ઉર્ફે જલ્પાબેન ચેતનભાઇ સાણજા જાતે પટેલ (ઉમર ૨૫) નામની મહિલા ઘરેથી કોઈને કંઈ કર્યા વગર ગુમ થઈ ગયા હતા જે અંગે ચેતનભાઇ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી દરમિયાનમાં ગુમ થયેલા ખુશ્બુબેન ઉર્ફે જલ્પાબેન પોતાની જાતે ઘરે આવી જતા પોલીસમાં નિવેદન આપવા આવ્યા હતા અને પોલીસે રાબેતા મુજબ નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.