મોરબીના રંગપર બેલા રોડે ટ્રક ઉપર ચડેલા યુવાનનું વીજ કરંટ લાગતા મોત
હળવદના વેગડવાવ ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને પિતા-પુત્ર ઉપર ધારિયા-ધોકા વડે હુમલો
SHARE
હળવદના વેગડવાવ ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને પિતા-પુત્ર ઉપર ધારિયા-ધોકા વડે હુમલો
હળવદના વેગડવાવ ગામે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને આધેડ અને તેના દીકરા ઉપર ધારિયા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી કરીને ઈજા પામેલા પિતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા રામજીભાઈ ચતુરભાઈ સુરેલા (55) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિષ્ણુભાઈ કેશાભાઈ પીપરીયા, જીવણભાઈ ભુદરભાઈ પીપરીયા, બાજુભાઈ કેશાભાઈ પીપરીયા અને નિકુલભાઇ અભાભાઈ પીપરીયા રહે. બધા વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘરેથી ગામમાં દરણું દરાવવા માટે થઈને જતા હતા ત્યારે વિષ્ણુભાઈએ તેઓની પાસે આવીને કહ્યું હતું કે “આજથી એક મહિના પહેલા અમારી સાથે કેમ ઝઘડો કર્યો હતો” તેવું કહીને ગાળો આપીને છૂટા પથ્થરનો ઘા મારતા ફરિયાદી રામજીભાઈને મોઢાની જમણી બાજુના ભાગમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ વિષ્ણુભાઈએ ફરિયાદીની સાથે જપાજપી કરી હતી અને જીવણભાઈએ જપાજપી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો.
જેથી ફરિયાદી અને તેનો દીકરો વિક્રમ બંને હળવદ ખાતે સારવાર લેવા માટે અને પોલીસને આ બનાવની જાણ કરવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે ગામ પાસે આવેલ નદીના પુલ પાસે પેટ્રોલ પંપ નજીક તેઓ પહોંચ્યા હતા ત્યારે વિષ્ણુભાઈ, બાજુભાઈ અને નિકુલભાઇ બાઈક લઈને તેની પાછળ ત્યાં આવ્યા હતા અને ત્યાં ફરિયાદીનું બાઈક ઊભું રખવીને આધેડ અને તેના દીકરા ઉપર ધારિયા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બાજુભાઈએ ફરિયાદીના દીકરાને માથાના ભાગે ધારિયાના બે ઘા માર્યા હતા જેથી તેને માથામાં ટાંકા આવ્યા હતા. અને ફરિયાદી તથા તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સારવાર લીધા બાદ આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીમાં માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ સુભાષનગરમાં રહેતા જીવીબેન હમીરભાઈ મુછડીયા (84) નામના વૃદ્ધા પોતાના ઘર પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન વાળાએ તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં તેમને જમણા થાપાના ભાગે ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે