માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા
મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
SHARE
મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
મોરબી મહાનગરપાલિકા, ટંકારા, માળીયા અને વાંકાનેર નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તા. ૨૬ એપ્રિલ, રવિવારે સવારે ૦૭:૦૦ થી સાંજના ૦૬:૦૦ દરમિયાન મતદાન યોજાનાર છે. ત્યારે આ બાબતે કરાયેલી તૈયારીઓ બાબતે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી અને પોલીસ અધિક્ષક મુકેશ પટેલે કે આજે પત્રકારોને સંબોધન કર્યું હતું. આ તકે અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ રાજાવાઢા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગર પાલિકાના ૧૩ વોર્ડમાં ૫૨ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જિલ્લામાં કુલ ૮૫૭ મતદાન મથકો પર પ્રિસાઇડીંગ ઓફિસર સહિત કુલ ૪૨૮૫ પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં રિઝર્વ સહિત કુલ ૧૯૧૫ ઈવીએમ મશીનનો ઉપયોગ કરાશે. ચૂંટણી અધિકારી તરીકે ૨૧ અધિકારી મુકાયા છે. મોરબી મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ ૮૫૭ મતદાન મથકો અને ૫૪૪ લોકેશનમાંથી ૨૨૫ મતદાન મથકો અને ૧૬૩ લોકેશન સંવેદનશીલ છે. જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો અને તાલુકા પંચાયતની ૯૮ બેઠકો માટે કુલ ૬૦૫ મતદાન મથકો પર ચૂંટણી થશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મોરબી જિલ્લાના તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણીમાં મોરબી મહાનગરપાલિકા નગરપાલિકાઓ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં ૨૬ એપ્રિલના રોજ મતદાન યોજનાર છે. ત્યારે દરેક મતદાર તેમના મતાધિકારનો ઉપયોગ કરી બંધારણની પવિત્ર ફરજ અદા કરે તે માટે અપીલ કરું છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ મતદાર મથકો પર જરૂરી તમામ આનુસંગિક વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે, પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને મહદ્અંશે તમામ મતદાન મથકો પર વ્હીલચેર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પોલીસ અધિક્ષક મુકેશ પટેલે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં મતદાન તથા મતગણતરી સહિત સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા જળવાય તે માટે પોલીસ વિભાગ સતત કાર્યરત છે. જિલ્લામાં ૨૦૦૦ જેટલા પોલીસ કર્મીઓને ચૂંટણી અનુસંધાને વિવિધ ફરજો સોંપવામાં આવી છે. કોઈપણ મતદાન મથક જ્યારે મતદાર મત આપવા જાય ત્યારે તેને કોઈ અગવડ ન થાય તે માટે તમામ પોલિંગ સ્ટાફની બે તાલીમ થઈ ગઈ છે અને ડિસ્પેચિંગ વખતે ત્રીજી તાલીમ કરવામાં આવશે.
ગરમીને ધ્યાનમાં રાખતા મહાનગરપાલિકા, નગર પાલિકા તેમજ તાલુકા, જિલ્લા પંચાયતમાં તમામ મતદાન મતકો ઉપર પાણી, છાંયડો, વીજળી, પ્રાથમિક સારવાર કીટ, ફર્નિચર રેમ્પ સહિતની સુવિધાઓ રાખવા માટે તમામ ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગરમીમાં છાંયડાની વ્યવસ્થા માટે તમામ સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પીવાના પાણીની અને ઓ.આર.એસ. કીટ તેમજ પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં તમામ ઈ.વી.એમ. મતદાન માટે તૈયાર થઈ ગયા છે અને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે.