ટંકારાના નાના ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
મોરબી જીલ્લામાં પિયત મંડળીઓના પ્રયાસોથી ૧૦૦ ટકા સિંચાઈ-૧૦૦ ટકા પાણીનો બચાવ; ખેતી અને ખેડૂત બનશે સમૃદ્ધ
SHARE
મોરબી જીલ્લામાં પિયત મંડળીઓના પ્રયાસોથી ૧૦૦ ટકા સિંચાઈ-૧૦૦ ટકા પાણીનો બચાવ; ખેતી અને ખેડૂત બનશે સમૃદ્ધ
ગુજરાતે તાજેતરના દાયકાઓમાં વિકાસની વાટે જે દોટ મૂકી છે તે અદ્વિતીય છે. જોત જોતામાં ગુજરાત રાજ્ય વિકાસનો પર્યાયી બની ગયો. તમામ ક્ષેત્રોની સાથે કૃષિ ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે. મૈકલ કન્યા નર્મદા વર્ષોથી વહે છે અને ગુર્જર ધરાને સીંચે છે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલ દેશના વડાપ્રધાનએ નર્મદા પર સરદાર સરોવર ડેમ બનાવી કેનાલ નેટવર્ક ઉભુ કર્યું. એમના વિઝન સાથે નર્મદાના નીર ગુજરાતના ચારે ખૂણામાં પહોંચ્યા અને ગજરાતની ધરા પાણીદાર બની ગઈ. હવે આ કેનાલોથી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટેનું કામ થોડું કઠિન હતું જેના માટે પણ સરકાર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું. આ કામમાં સરકારની સાથે પિયત મંડળીઓ પણ જોડાઈ અને નર્મદા તેમજ ડેમ અને નદીઓના નીર વ્યવસ્થિત આયોજન સાથે ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડી પાણીના સંવર્ધન માટે પણ ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવવામાં આવી. મોરબી જિલ્લાના રોહિશાળા ગામેથી શરૂ થયેલી પિયત મંડળીની પ્રેરણાદાયી યાત્રા આજે ગુજરાતના ગામે ગામ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મોરબી જિલ્લાની માટી સિરામિક ઉદ્યોગ થકી વૈશ્વિક સ્તરે આગવું ગૌરવ ધરાવે છે, તો કૃષિની દૃષ્ટીએ પણ મોરબી જિલ્લો મહત્ત્વનો છે. એક સમયની બીનઉપજાઉ જમીનને પિયત મંડળી થકી નવપલ્લવિત બનાવી અહીંના ખેડૂતોએ દાડમ સહિતના ફળોની મીઠાશ વિશ્વ સુધી પહોંચાડી છે મોરબી જિલ્લામાં ખેડૂતો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવાના હેતુથી વર્ષ ૨૦૦૫ માં રોહિશાળા ખાતે દેવશીભાઈ સવસાણીએ પિયત મંડળી બનાવી આ પિયત મંડળી થકી તે ગામ અને આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડ્યા. પાણીની સવલત પ્રાપ્ત થતા એ ખેડૂતો સમૃદ્ધ બન્યા અને આજુબાજુના વિસ્તારના લોકો પણ તેના પરથી પ્રેરણા લઈ મંડળીઓ બનાવી. દેવશીભાઈ અને તેમની મંડળીની કામગીરીની સરકારે પણ નોંધ લીધી અને પૂરતો સહકાર આપ્યો. રોહિશાળાની એક પિયત મંડળીથી શરૂ થયેલી આ યાત્રા સરકારના સહકાર અને પહેલ થકી ગુજરાતના ગામે ગામ પહોંચાડવાના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે. આ પિયત મંડળીથી શરૂ થયેલી યાત્રા ગાંધીનગર સુધી પહોંચી અને તેના વિસ્તાર અને વિકાસ માટે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદ્દ્વહન પિયત સહકારી સંઘ લિ.નું ગઠન કરવામાં આવ્યું અને દેવશીભાઈ સવસાણીને તેના ચેરમેન બનાવવામાં આવ્યા. દેવશીભાઈની રાહબરી હેઠળ અને સરકારના સહયોગ થકી મોરબી જિલ્લામાં ૫૫ (પંચાવન) જેટલી પિયત મંડળીઓનું ગઠન કરવામાં આવ્યું છે.
આ પિયત મંડળીઓ સુધી પાઈપ લાઈનનું નેટવર્ક ઉભુ કરી નર્મદા કેનાલ, ડેમ તથા નદી વગેરે જળ સંસાધનોમાંથી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે અને ૧૦૦% ટપક સિંચાઇ પદ્ધતિ થકી આ પાણીનો કરકસરયુક્ત વપરાશ કરવામાં આવી રહ્યો છે. આમ આ પિયત મંડળીઓનો ઉદ્દેશ છે કે ૧૦૦ ટકા સિંચાઈ સવલત અને ૧૦૦ ટકા પાણીનો બચાવ. આ પિયત મંડળીઓ થકીની એક પિયત મંડળી એટલે હળવદની નંદનવન પિયત મંડળી. હળવદના એ વિસ્તારના ખેડૂતો એક સમયે એ જમીનમાં કઈં ઉપજ થતી ન હોવાથી જમીન વેચીને હિજરત કરી રહ્યા હતા. ત્યારે વર્ષ ૨૦૦૮માં નંદનવન પિયત મંડળી બનાવવામાં આવી. આસપાસના ખેડૂતોએ ૭-૮ કિલોમીટર લાંબુ પાણીનું પાઈપ લાઈન નેટવર્ક ઉભુ કરી નર્મદા કેનાલનું પાણી ખેતરો સુધી લઈ આવ્યા. ત્યારબાદ તો ખેડૂતો અને જમીન બન્નેની દશા અને દિશા બન્ને બદલી ગયા. બંજર બની ગયેલી એ જમીન ફરી નંદનવન બની ગઈ, એટલે જ તો આ પિયત મંડળીને નંદનવન નામ આપવામાં આવ્યું.
આ વિસ્તારમાં પાણી આવતા ખેડૂતોએ બાગાયત ખેતી અપનાવી અને સાથોસાથ ૧૦૦ ટકા ટપક સિંચાઈ પદ્ધતિ પણ અપનાવી જેથી પાણીનો કરકસરયુક્ત વપરાશ કરી શકાય. ‘ખેડ, ખેતર ને પાણી સમૃદ્ધિ લાવે તાણી’ એ વાત અહીં સાર્થક બની, પાણીની સવલત સાથે ખેડૂતોની મહેનત થકી થોડા સમયમાં જ એ વિસ્તારની કાયાપલટ થઈ ગઈ. ત્યારબાદ નંદનવન પિયત મંડળી પરથી પ્રેરણા લઈ આજુબાજુમાં બીજી મંડળીઓ પણ બની. જેમાં આર્યવન સિંચાઈ મંડળી, બહુચર સિંચાઈ મંડળી, કિસાન સિંચાઈ મંડળી અને પંચાસર સિંચાઈ મંડળી મુખ્ય છે. આ ખેડૂતોએ બાગાયતી ખેતી અપનાવી ખેતી ક્ષેત્રે આગવું નામ કર્યું છે. તેમના ખેતરોમાં ઉગતા દાડમ સહિતના ફળોની મીઠાશ વિશ્વ સુધી પ્રસરી છે. તેમના ફળોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવી રહી છે. જોતજોતામાં હળવદ વિસ્તારની અંદાજિત ૪૦૦ હેકટર જમીનની કાયાપલટ થઈ ગઈ.
હાલની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં હવે પાણીની કોઈ કમી નથી ગુજરાત પાણીદાર બની ગયું છે. નરેન્દ્રભાઈ મોદીએ દૂરંદેશી અભિગમથી ગુજરાતના ખુણેખુણા સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે. હવે આપણે પાણીની કિંમત સમજવી જોઈએ પાણી બચશે તો ખેડૂત બચશે, ખેડૂત બચશે તો ખેતી બચશે, ખેતી બચશે તો ગામડું બચશે અને ગામડું બચશે તો ભારત બચશે. અને સરકારનો ખેડૂતોની આવક ડબલ કરવાનો જે અભિગમ છે તે અહીં ચરિતાર્થ થયો છે પિયત મંડળી થકી ખેડૂતોની સ્થિતી સુધરી છે ખેતીની ઉત્પાદક્તા વધી છે.