મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા પશુપાલકોની મુશ્કેલીઓ દૂર કરવા મુખ્યમંત્રીને 10 મુદ્દાની કરાઇ રજૂઆત
SHARE
મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા પશુપાલકોની મુશ્કેલીઓ દૂર કરવા મુખ્યમંત્રીને 10 મુદ્દાની કરાઇ રજૂઆત
ગુજરાતમાં અનિયમિત વરસાદ, દુષ્કાળ જેવી પરિસ્થિતિ, ઘાસચારાની અછત અને પશુઓ માટે પીવાના પાણીની સમસ્યાથી પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય વરસાદ આધારિત વિસ્તારોમાં પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોની સ્થિતિ કફોડી બની રહી છે. ત્યારે પશુપાલકોના હિતમાં મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રાહત અને લાંબાગાળાના આયોજન સહિતની 10 મહત્વપૂર્ણ માંગણીઓ કરવામાં આવી છે.
યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેનભાઈ રબારીએ રજૂઆતમાં જણાવ્યું છે કે પશુપાલન માત્ર વ્યવસાય નહીં, પરંતુ જીવનપદ્ધતિ અને પરંપરા સાથે જોડાયેલું છે. જોકે બદલાતી આબોહવા, અનિયમિત વરસાદ, ઘાસચારાની અછત અને પાણીની સમસ્યાના કારણે પશુપાલકોની મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ પશુધનના નિભાવનો ખર્ચ સતત વધી રહ્યો છે, બીજી તરફ દૂધ ઉત્પાદનમાંથી થતી આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. નાના અને મધ્યમ પશુપાલકો પાસે આવા સંજોગોમાં પશુધન જાળવી રાખવા માટે પૂરતી આર્થિક ક્ષમતા પણ રહેતી નથી. આ સમસ્યા માત્ર માલધારી સમાજ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય રોજગારી, ગૌસંવર્ધન, દૂધ આધારિત અર્થવ્યવસ્થા અને સામાજિક માળખા સાથે પણ સંકળાયેલી છે.
હાલમાં પશુપાલકો માટે 10 માંગણીઓ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે જેમાં અપૂરતો વરસાદ, ઘાસચારાની અછત અને કુદરતી પ્રતિકૂળતાઓથી અસરગ્રસ્ત વિસ્તારોના પશુપાલકો માટે વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરી પશુધનની સંખ્યા અને પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સીધી સહાય આપવામાં આવે, રાજ્યના આગામી વાર્ષિક બજેટમાં પશુપાલન અને પશુધન નિભાવ માટે મોટા પાયે ઘાસચારા સહાયનું બજેટ ઊભું કરવામાં આવે, પશુપાલન આધારિત વિસ્તારોમાં તાલુકાવાર ઘાસચારા બેંક અને સરકારી ઘાસ ડેપો શરૂ કરવામાં આવે, અછતગ્રસ્ત વિસ્તારોમાં નોંધાયેલા પશુધનના આધારે પશુદીઠ ઘાસચારા સહાય આપવામાં આવે તે જરૂરી છે.
આ ઉપરાંત રાજ્યની ગૌચર જમીનોનું સર્વેક્ષણ કરી તેનું સંરક્ષણ કરવામાં આવે, પશુપાલન આધારિત અને પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં પશુઓ માટે પાણીના અવાડા, તળાવો, જળસંગ્રહ કેન્દ્રો અને જરૂરી સ્થળોએ ભૂગર્ભ પાણીના કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવે, જે વિસ્તારોમાં ઘાસચારાની ઉપલબ્ધતા નથી ત્યાં અન્ય જિલ્લાઓમાંથી ઘાસચારો પહોંચાડવા માટે પરિવહન ખર્ચમાં સરકાર દ્વારા વિશેષ સબસિડી આપવામાં આવે, ગૌવંશનું સંરક્ષણ કરતી ગૌશાળાઓ અને પાંજરાપોળની સાથે પોતાના ઘર, વાડામાં કે નેસડામાં ગૌવંશનું પાલન કરતા વ્યક્તિગત પશુપાલકોને પણ યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે તે જરૂરી છે.
ઘાસચારા અને પાણીની અછતના કારણે સ્થળાંતર કરતા પરંપરાગત માલધારીઓ માટે નિર્ધારિત માર્ગો પર પાણી, ઘાસચારો, પશુચિકિત્સા અને સુરક્ષાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, ઘાસચારા અછત સર્જાય પછી જ રાહત આપવાને બદલે વરસાદ, જળસંગ્રહ, પશુધનની સંખ્યા અને ઘાસચારાની ઉપલબ્ધતાના આધારે અગાઉથી આયોજન કરતી લાંબાગાળાની રાજ્યસ્તરીય નીતિ બનાવવામાં આવે અને આ નીતિ ઘડવામાં પશુપાલન નિષ્ણાતો તથા માલધારી સમાજના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવે તે જરૂરી છે. પશુધનનું સંરક્ષણ માત્ર એક સમાજ કે વ્યવસાયનું સંરક્ષણ નથી, પરંતુ ગુજરાતની આર્થિક સમૃદ્ધિ, પરંપરા, સંસ્કૃતિ અને આવનારી પેઢીના ભવિષ્ય સાથે જોડાયેલો વિષય હોવાનું જણાવી ડૉ. દેવેનભાઈ રબારીએ પશુપાલન, કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગોની સંયુક્ત બેઠક બોલાવી આ પ્રશ્નનું ગંભીરતાપૂર્વક મૂલ્યાંકન કરવા માંગ કરી છે.