મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
SHARE
મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
મોરબી જિલ્લો અકસ્માત ઝોન હોય તેવું દિનપ્રતિદિન પ્રતિત થઈ રહ્યું છે.કારણ કે અનેક અકસ્માતોમાં મહામૂલી માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઇ રહી છે.જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે.મોરબી જિલ્લાના વાંકાનેર હાઇવે ઉપર આવતા ઢુવા ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં પગપાળા જતા મહિલાને ડમ્પરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત નિપજયુ હતું.
હાલ ઉપરોકત બાબતે અકસ્માતનો ભોગ બનેલ મહિલાના પતિ સુરેશભાઈ વાલજીભાઈ રંગપરા કોળી (૪૧) રહે.નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે ટ્રક ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૯૪૦૪ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ઢુવા પીએચસી સેન્ટર પાસેથી તેમના પત્ની રીટાબેન સુરેશભાઈ રંગપરા પગપાળા જતા હતા.ત્યારે બેફામપણે વાહન ચલાવી ઉપરોક્ત નંબરના ડમ્પર ચાલકે તેમના પત્ની રીટાબેનને હડફેટે લીધા હતા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યુ હતું.અકસ્માત બાદ માનવતા નેવે મુકીને વાહન સ્થળ ઉપર મૂકીને ચાલક ભાગી છુટ્યો હતો.હાલ આ બાબતે મૃતકના પતિ સુરેશભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ આધારે સ્ટાફના એ.આર.બેરાણી દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.
હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
હાલમાં મોરબી જિલ્લામાં મકાન-કોમર્સીયલ જગ્યા ભાડે આપવા કે અન્યને કામે રાખવા સમયે પોલીસને જાણ કરવી તેવુ જાહેરનામું અમલમાં છે.છતા પણ હળવદના સુખપર ગામની સીમમાં નકલંગધામ મંદિર પાછળ આવેલ આદ્યશક્તિ એન્જિનિયરિંગ વર્કસ નામના કારખાનાની અંદર મજૂરોને કામે રાખ્યા બાદ તે મજૂરોના આઈડી પ્રૂફ વિગેરે મેળવીને નિયમાનુસાર એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરેલ ન હોય અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી ન હોય તે બાબતે હાલમાં હળવદ પોલીસ સ્ટાફ દ્વારા પ્રકાશભાઇ રવજીભાઈ જાદવ દલવાડી (૩૬) રહે.અનમોલ બંગલો સરા રોડ હળવદ સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
માળિયા મીંયાણાના કૃષ્ણનગર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઈજા થતાં દિપક બહાદુરભાઈ બીસ્ટ (૩૬) રહે.રવાપર ચોકડી બહુચર માતાના મંદિર પાસે મોરબી નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો તેમજ મોરબીના જેતપર રોડ પાવળીયારી પાસેના લેક્ટોસ સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા નેહાબેન કાળુભાઈ કિરાડી (૨૦) અને કાળુભાઈ મુકાભાઈ કિરાડી (૨૪) નામના બે લોકોને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી









