મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં બાંધકામ મંજૂરી માટે ડીડીઓએ આપેલ સૂચનાનો શાસક-વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ છતાં અધિકારી મક્કમ
SHARE









મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં બાંધકામ મંજૂરી માટે ડીડીઓએ આપેલ સૂચનાનો શાસક-વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ છતાં અધિકારી મક્કમ
મોરબી જિલ્લા પંચાયતમાં આજે ખાસ સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં જુદા જુદા વિકાસ કામના એજન્ડા લેવામાં આવ્યા હતા અને અંદાજે 11 કરોડથી વધુના વિકાસ કામોને વહીવટી અને સૈધાનિક મંજૂરી આપવામાં આવી છે જોકે થોડા સમય પહેલા ડીડીઓ દ્વારા સમગ્ર મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર બાંધકામ મંજૂરીને લઈને જે સૂચનાઓ આપવામાં આવી છે તેનો મોરબી જિલ્લા પંચાયતના શાસક અને વિપક્ષના ચૂંટાયેલા સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, ડીડીઓ દ્વારા સરકારના નીતિ નિયમ પ્રમાણે બાંધકામ મંજૂરી લેવી અનિવાર્ય હોય તેના માટે સૂચના આપવામાં આવી છે તેનો સરપંચ, તલાટી મંત્રી અને તાલુકા પંચાયતના ઈજનેરોએ અમલ કરવાનો છે. અને જો કોઈ અધિકારી કે કર્મચારી કામ કરવાની ના પાડશે તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં શુક્રવારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ તેમજ મોરબી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા અને આ તકે મોરબી જિલ્લા પંચાયત હસ્તકના ગ્રામ્ય વિસ્તારોમાંથી ઘણા ગામડાઓનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને તેના રોડ રસ્તાની જવાબદારી મહાપાલિકાને સોંપવા માટેની દરખાસ્ત તેમજ લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને જુદી જુદી યોજનાઓ અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ મળીને અંદાજે 11 કરોડ રૂપિયાના વિકાસ કામોને વહીવટી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. તેની સાથોસાથ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા માટેનો અભિપ્રાય કરાયો હતો.
ખાસ કરીને અગાઉની બેઠકોમાં મોરબી જિલ્લામાં આવેલ ગોચરની જમીનને નક્કી કરવા માટે થઈને વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી દ્વારા જે પ્રશ્નો મૂકવામાં આવ્યો હતો તેમાં આજ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેથી આ બાબતને લઈને તેઓએ ડીડીઓને ઉગ્ર રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, નવ-નવ મહિના સુધી ગોચરની જમીનની માપણીની કામગીરી કેમ કરવામાં આવતી નથી ? તે ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના નાની સિંચાઈ યોજનાના જે તળાવ આવેલા છે તેમાં કોઈપણ પ્રકારની જિલ્લા પંચાયતની મંજૂરી વગર જે રીતે પવન ચક્કીઓના થાંભલા ઉભા કરવામાં આવે છે તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ?
મોરબીના ડીડીઓ દ્વારા થોડા સમય પહેલા જિલ્લાના દરેક ગામમાં બાંધકામ મંજૂર લેવા માટેની જરૂરી સૂચના સરપંચ, તલાટિ મંત્રી અને ઈજનેરોને આપી હતી તે સૂચનાનો જિલ્લા પંચાયતના ભાજપ તથા કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ વિરોધ કર્યો હતો ! અને બાંધકામ મંજૂરીને લઈને જે સૂચનાઓ આપવામાં આવી છે તેની અમલવારી ન થાય તેના માટે થઈને થોડીવાર માટે જિલ્લા પંચાયત કચેરીમાં મામલો ગરમાયો હતો પરંતુ ડીડીઓ દ્વારા જિલ્લા પંચાયતના સભ્યોના જે કોઈ પ્રશ્નો હતા તેના સચોટ અને મુદ્દાસર જવાબ આપવામાં આવ્યા હતા અને તેમણે સ્પષ્ટ પણે કહ્યું હતું કે સરકારની સૂચના મુજબ 125 મીટરથી વધુ જગ્યામાં કોઈપણ જગ્યાએ બાંધકામ કરવામાં આવે તો તેના માટે બાંધકામ મંજૂરી લેવી પડશે અને જો 125 મીટરની જ જગ્યા હોય પરંતુ 12 મીટર કરતાં વધુની ઊંચાઈ સુધી બાંધકામ થતું હોય તો તેના માટેની મંજૂરી લેવાની રહેશે. અને આ સૂચના સરકારના નિયમની અમલવારી કરવા માટે આપવામાં આવેલ છે.
અત્યાર સુધી વર્ષોથી મોરબી જિલ્લામાં બાંધકામ મંજૂરી લીધા વગર જે રીતે બાંધકામો ઉભા થયા છે. તેવી જ રીતે જો ભવિષ્યમાં પણ થતા રહે અને કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ આવા પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતા છે જેથી કરીને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સરકારના નિયમની અમલવારી માટે સૂચના આપવામાં આવેલ છે જો કે, સરકારના નિયમ અને ડીડીઓની સૂચનાની અમલવારી ન થાય તે માટે જિલ્લા પંચાયતના શાસક અને વિપક્ષ દ્વારા એકીસાથે બાંધકામ મંજૂરી માટેની કાર્યવાહીનો સંયુક્ત રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. મોરબી શહેરની આસપાસના ગામોમાં જે રીતે આડેધડ હાઇરાઇસ બિલ્ડીંગો ઊભા કરવામાં આવ્યા છે. ત્યાં જો કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ ? આ ગંભીર બાબતે ધ્યાન ઉપર રાખીને ડીડીઓ દ્વારા સમગ્ર જીલ્લામાં બાંધકામ મંજૂરીને લઈને જે સૂચનાઓ આપવામાં આવી છે જો કે, 125 મીટર સુધીનું બાંધકામ કોઈપણ ગામમાં કરવામાં આવે તો તેના માટે લોકોને તેની મંજૂરી લેવાની જરૂર નથી. તેવી પણ સ્પષ્ટતા ડીડીઓ દ્વારા કરવામાં આવી હતી.
ઉલેખનીય છેકે, 125 મીટર જગ્યા કે પછી 12 મીટર થી વધુ ઊંચાઈએ બાંધકામ કરવાનું થતું હોય તો જ મંજૂરી લેવાની છે અને તેના માટે કોઈ જગ્યાએ જવાનું નથી ગ્રામ પંચાયતમાં જ આસામી અરજી આપવાની છે ત્યારબાદ સરપંચ અને તલાટી મંત્રી દ્વારા આગળ તાલુકા પંચાયતમાં તેની ફાઇલ આપવામાં આવશે અને તેને ચેક કરીને ઇજનેર દ્વારા 72 કલાક સુધીમાં તેનો નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી ડીડીઓએ ખાસ સામન્ય સભામાં તમામ સભ્યોને આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, જ્યારથી આ સૂચના આપવામાં આવી છે ત્યારથી આજ સુધીમાં આંગળીના ટેરવે ગણાઈ શકાય તેટલી જ અરજીઓ આવી છે. અને તેનો પણ નિકાલ તાત્કાલિક કરવા માટેની સૂચનાઓ અધિકારીઓને આપી દેવામાં આવેલ છે. જો કે, મોરબીની આસપાસના ગામોમાં જે રીતના બાંધકામો કરવામાં આવેલ છે તેવો વિકાસ કે પછી ઊંચા બિલ્ડીંગો હવે જિલ્લાના છેવડાના ગ્રામ્ય વિસ્તારોમાં થવાની નથી તે સહુ કોઈ જાણે છે તેમ છતાં પણ જિલ્લા પંચાયતમાં શાસક અને વિપક્ષના સભ્યો દ્વારા સરકારના નિયમ અને ડીડીઓની સૂચના મુજબ બાંધકામ મંજૂરી લેવાની સૂચનાનો વિરોધ કેમ કરવામાં આવે છે તે જીલ્લા પંચાયતમાં કોઈને સમજાતું નથી
