હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ
SHARE









હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ચરાડવા પાસે આવેલ મહાકાળી આશ્રમ તથા સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા વસ્તડી મેલડી માતાજીના મંદીરમાં એમ જુદાજુદા ત્રણ મંદિરમાં ચોરી કરવામાં આવી હતી જેનો ભેદ મોરબી જિલ્લા એલસીબીની ટીમે ઉકેલી નાખ્યો છે અને આ ગુનામાં ચાર શખ્સની ધરપકડ કરીને તેની પાસેથી ચોરીમાં ગયેલ દાનપેટીની રકમ તથા સોના તેમજ ધાતુના દાગીના સહીત કુલ 2.91 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે.
મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં એલસીબીના ચંદુભાઇ કાણોતરા, શક્તિસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર અને ભગીરથસિંહ ઝાલાને મળેલ બાતમી અને હ્યુમન સોર્શ તથા ટેકનીકલ માધ્યમથી હકિકત મળી હતી કે, હળવદ ફુલ જોગણી મેલડી માતાના મંદિરની બાજુમાં આવેલ ક્રિષ્નાપાર્કની સામે ખરાબામાં આવેલ મહેશ દેવીપુજકના ઝુપડામાં ચાર ઇસમો હાજર છે અને આ ચારેય ઇસમો જેના નામ મહેશ, પ્રતાપ, ચેતન દેવીપુજક તથા પરબત ભરવાડ છે જે ચારેય ઇસમોએ ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં મંદીરમાંથી ચોરી કરેલ છે અને તેની પાસે ચોરીનો મુદામાલ પણ છે
જેથી એલસીબીની ટિમ ત્યાં પહોચી હતી અને સ્થળ ઉપર હાજર રહેલા ચાર ઇસમો પાસેથી રોકડા રૂપીયા તથા દાગીના મળી આવ્યા હતા જેથી આરોપીઓની યુક્તિ પ્રયુક્તીથી પુછપરછ કરવામાં આવી હતી ત્યારે તે ચારેય શખ્સોએ મળીને ચરાડવાના મહાકાળી આશ્રમ ખાતે તથા સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટીમાં નદીના કાંઠે આવેલ મસાણની મેલડી માતાજી મંદીર અને વસ્તડી ખાતે આવેલ સામાકાંઠા વાળા મેલડી માતાજીના મંદીરમાં છેલ્લા 10 દિવસમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. અને અલગ-અલગ વાહનોમાં જઇ મંદીરમાં રહેલ દાન પેટીમાંથી રોકડા રૂપીયા તથા માતાજીને ચડાવેલ સોના તથા ધાતુના દાગીનાઓની ચોરી કરેલ હોવાનું કબૂલાત આપી હતી. અને મંદીર ચોરીના ગુના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. જેથી આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ હવાલે કરેલ છે.
હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તેમાં મહેશભાઇ રાજુભાઇ ધંધાણીયા રહે. રોનીગામ તળાવની બાજુમાં તાલુકો શંખેશ્વર, પરબતભાઇ નાજાભાઇ સરૈયા રહે. કેદારીયા ગામ પાસે ધનાલા રેલ્વે સ્ટેશન પાસે ઝુપડામાં તાલુકો હળવદ, પ્રતાપ ત્રિભોવનભાઇ દેવીપુજક રહે. હાલ રેલ્વે સ્ટેશન પાછળ, સુખપુરા રાધનપુર અને ચેતનભાઇ ઉર્ફે ચેતલો પરબત જાગરીયા રહે. હાલ હળવદ ભવાનીનગર ઢોરો તથા કેદારીયા ગામ વાળાનો સમાવેશ થાય છે અને તેની પાસેથી પોલીસે 39,750 રોકડા, 5,755 ના ચલણી સિક્કા, ખોટી ધાતુના 5 હાર જેની કિંમત 1,000 સોનાની નથળી સેર વાળી 1 જેની કિંમત 55,500 અને કાર નં. જીજે 12 એકે 7731 જેની કિંમત 2 લાખ આમ કુલ મળીને 2.91 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે.
આ શખ્સો દિવસ દરમ્યાન દેવદર્શન કરવા મંદિરમાં જઇને રેકી કરતાં હતા અને મોડી રાત્રીના સમયે મંદિરોમાં જઇ દાનપેટી અને સોનાના આભૂષણો સહિતના મુદામાલની ચોરી કરે છે. અને હાલમાં જે આરોપીઓને પકડેલ છે તેમાં આરોપી પરબતભાઇ સરૈયા સામે રંગપુર (છોટાઉદેપુર)માં એક, આરોપી મહેશભાઇ ધંધાણીયા સામે હળવદ અને મોરબી એ ડિવિઝનમાં એક-એક આમ કુલ મળીને બે તેમજ પ્રતાપ ત્રિભોવનભાઇ ચાંગાવરીયા સામે રાધનપુરમાં બે ગુના નોંધાયેલ છે.
