મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની
SHARE
મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની
મોરબીમાં શ્રદ્ધા, સંસ્કાર અને સંગઠનની શક્તિના દર્શન કરાવતો ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો.શહેરના જેલ રોડ પરના વાલ્મીકિવાસ, રબારીવાસ અને વજેપર સહિતના વિસ્તારોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તાર રામદેવપીરના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.આ પાવન પ્રસંગે મુખ્ય આકર્ષણ તરીકે ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી રોમા માણેક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી અને મોરબીની જનતાની ભક્તિ જોઈને અભિભૂત થયા હતા.હાથોમાં આરતીના દીવા પ્રગટ્યા, ત્યારે વાતાવરણ દિવ્ય બની ગયું હતું.આ મહોત્સવ મારફતે સમાજમાં એકતાનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય આયોજક અને માર્ગદર્શક ડૉ.દેવેન રબારીએ આ તકે સમાજને પ્રેરક અને મજબૂત સંદેશ આપતા જણાવ્યું હતું કે, શ્રી રામદેવપીર આરતી મહોત્સવ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી.પરંતુ સમાજને એકતાના તાંતણે બાંધવાનો એક પવિત્ર પ્રયાસ છે.વાલ્મીકિવાસ, રબારીવાસ અને વજેપર જેવા વિસ્તારો જ્યારે ખભેખભા મિલાવીને બાબાની આરતીમાં જોડાય છે.ત્યારે સાચા અર્થમાં ભેદભાવમુક્ત અને સમરસ સમાજનું નિર્માણ થાય છે. પરંતુ, આ ભક્તિ ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે આપણી યુવા પેઢી શિક્ષણના માર્ગે ચાલશે અને વ્યસનમુક્તિનો સંકલ્પ લેશે.વ્યસન એ સમાજને લાગેલી ઉધઈ છે, જે ઘર અને સંસ્કાર બંનેને ખતમ કરી નાખે છે. ચાલો, આજે આપણે બાબાની સાક્ષીએ સંકલ્પ લઈએ કે આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપીશું અને આપણા સમાજને વ્યસનમુક્ત બનાવી એક સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થઈશું.” આ મહોત્સવમાં વિવિધ સામાજિક અગ્રણીઓ, યુવા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક ટીમ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ મહોત્સવે મોરબીમાં સામાજિક એકતા, શિક્ષણ અને નશાબંધીની એક નવી જ્યોત પ્રગટાવી છે.









