સિરામિક બાદ હવે પોલિપેક ઉદ્યોગમાં રીવર્સ ગીયર !: મોરબી જીલ્લામાં 170 માંથી 50 જેટલા યુનિટ બંધ
SHARE









સિરામિક બાદ હવે પોલિપેક ઉદ્યોગમાં રીવર્સ ગીયર !: મોરબી જીલ્લામાં 170 માંથી 50 જેટલા યુનિટ બંધ
મોરબીની આસપાસના વિસ્તારમાં પોલિપેક ઉદ્યોગનો છેલ્લા વર્ષોમાં વિકાસ થયો હતો જોકે આજની તારીખ તરીકે પોલીપેક ઉદ્યોગ ઇન્ટરનેશનલ અને લોકલ માર્કેટમાં મંદી હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને 170 યુનિટમાંથી લગભગ 50 જેટલા યુનિટ આજની તારીખે બંધ છે. અને દિવસેને દિવસે ઉદ્યોગકારો અને તેમાં રોજગારી મેળવતા શ્રમિકોની મુશ્કેલીઓમા વધારો થઈ રહ્યો છે.
સામાન્ય રીતે મોરબી જિલ્લાનું નામ આવે એટલે સીરામીક, નળિયા અને ઘડિયાળ આ ત્રણ જ પ્રોડક્ટ યાદ આવે છે. પરંતુ ત્યારબાદ મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર પેપરમીલ અને પોલીપેકનો ઉદ્યોગ પણ છેલ્લા વર્ષોમાં વિકાસ થયો છે જો કે, છેલ્લા મહિનાઓમાં સિરામિક ઉદ્યોગમાં મંદીના લીધે 200 કારખાના સદંતર બંધ થઈ ગયેલ છે અને અંદાજે 150 કારખાનામાં શટડાઉન છે. આવી જ પરિસ્થિતી મોરબી જિલ્લાના પોલીપેક ઉદ્યોગની છે મોરબી, ટંકારા અને હળવદ તાલુકામાં પોલિપેકના ૧૭૦ જેટલા કારખાના આવેલ છે તેમાંથી આજની તારીખે 50 થી વધુ કારખાના બંધ હાલતમાં છે અને નાના મોટા યુનિટ બંધ થવાના લીધે ઘણા શ્રમજીવી પરિવારોની રોજગારીનો પણ પ્રશ્ન ઊભો થયો છે.
એક સમય હતો કે મોરબી જીલ્લામાં પોલિપેકના ઉદ્યોગમાં તેજી હતી ત્યારે ધડોધડ નવા કારખાના શરૂ થવા લાગ્યા હતા જેથી કરીને હજારોની સંખ્યામાં લોકોને આ ઉદ્યોગમાં રોજગારી મળતી હતી પરંતુ છેલ્લા મહિનાઓની વાત કરીએ તો છેલ્લા મહિનામાં લોકલ અને ઇન્ટર નેશનલ માર્કેટમાં માલની માંગ સતત ઘટી રહી છે અને માંગ કરતાં ઉત્પાદન વધી રહ્યું છે ત્યારે કારખાના બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ અહીના ઉદ્યોગકારો પાસે રહ્યો નથી. મોરબી જીલ્લામાં પોલિપેકના કારખાના બંધ થવા પાછળના મુખ્ય કારણની વાત કરીએ તો ક્રૂડના ભાવમાં સતત વધ ઘટ રહે છે તેના ભાવ સ્થિર નથી અહીથી તૈયાર માલ કન્ટેનર મારફતે વિદેશમાં મોકલાવતા હોય છે જો કે, કન્ટેનરના ભાડામાં ચારથી પાંચ ગણો વધારો વધારો થયેલ છે જેથી કરીને ઉદ્યોગને બહુ જ મોટો ફટકો પડેલ છે.
સૌરાષ્ટ્ર મોરબી પોલિપેક એસો.ના માજી પ્રમુખ જગદીશભાઇ પનારા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પોલિપેકના કારખાનામાં પેકિંગ મટિરિયલ્સ તૈયાર કરવામાં આવે છે તેનો ઉપયોગ યુરિયા, સિમેન્ટ સહિતના ઉદ્યોગમાં પહેલા કરવામાં આવતો હતો તેના કરતા ઘટી ગયેલ છે તેની સામે અહીની ઉત્પાદન ક્ષમતા દિવસેને દિવસે છેલ્લા દિવસોમાં વધી હતી જેથી કરીને કારખાનામાં તૈયાર માલનો ભરાવો થઈ જવાના લીધે આજની તારીખે કારખાના બંધ થયેલ છે અને એક કારખાનામાં સરેરાશ 100 થી 200 લોકોને રોજગારી મળે છે પરંતુ કારખાના બંધ થવાના લીધે લોકોની રોજગારી પણ છીનવાઇ રહી છે અને આ ઉદ્યોગના ટ્રેન કારીગરની જરૂર હોય છે જે કારખાના બંધ થતાં બીજા ઉદ્યોગ કે પછી ખેતીવાડીમાં જતાં રહે તો પછી જ્યારે કારખાનાને શરૂ કરવાના હોય છે ત્યારે પણ કારીગરોને શોધવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
કારખાનેદારોએ ઉત્પાદન ઘટાડયું
મોરબી જિલ્લામાં આવેલા કારખાનાઓમાં મહિને 40 થી 45 હજાર ટન માલનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે જોકે, છેલ્લા મહિનાથી માત્ર 10 હજાર ટન માલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેના પાછળના મુખ્ય પરિબળોની જો વાત કરીએ તો બાંધકામ ક્ષેત્રે મંદી, ખાંડ ઉદ્યોગ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ અને રાઈસ ફેક્ટરીઓમાં મોરબીના પોલીપેક યુનિટમાં બનતી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જોકે તે ઉદ્યોગમાં મંદીની અસર હોવાના લીધે માલની માંગમાં ઘટાડો થયો છે અને હાલમાં પોલીપેકના કારખાના ચલાવતા કારખાનેદારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
હાલમાં લોકલ માર્કેટમાં મંદી છે તેની સાથો સાથ ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો કન્ટેનરના ભાડા વધી જવાના કારણે તેમજ અન્ય દેશમાં તેની સરકાર પોલીપેક ઉદ્યોગને બુસ્ટ કરવા માટે અનેક લાભ આપી રહી છે ત્યારે ભારતમાં પણ પોલીપેક ઉદ્યોગને 2019 સુધી સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવતું હતું પરંતુ ત્યારબાદ તે યોજનાને બંધ કરી દેવામાં આવી છે. જેથી કરીને આ ઉદ્યોગને તેની પણ મોટી અસર જોવા મળી રહી છે.
વધુમાં ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે તેઓના કારખાનામાં જે માલનું ઉત્પાદન કરવામાં આવે છે તેના માટે જે રો મટીરીયલની ખરીદી કરવાની હોય છે તેમાં માલનો માલનો ઓર્ડર આપવામાં આવે ત્યારે અને માલ કારખાનેદારને આપવામાં આવે તેમાં ફેરફાર હોય છે અને જ્યારે કંપની દ્વારા માલને મોકલવામાં આવે ત્યારે જે ભાવ હોય તે ભાવ મુજબ કારખાનેદારોને રૂપિયા આપવા પડે છે જેથી કરીને તેની કોઈ નીતિ નક્કી કરવામાં આવે તો પણ ઉદ્યોગકારોને ઘણો ફાયદો થાય તેમ છે
ત્યારે પોલિપેકના ઉદ્યોગને ફરી પાછો ધમધમતો કરવા માટે સરકાર દ્વારા કોઈ નીતિ લાવવામાં આવે અને એક્સપોર્ટ માટે થઈને ખાસ કરીને જો પ્રોત્સાહન આપવામાં આવશે. અથવા તો સરકાર દ્વારા આ ઉદ્યોગને વીજ બિલ સહિતની બાબતમાં રાહત કે પછી કોઈ પ્રોત્સાહન આપવામાં આવે તો જ આ ઉદ્યોગ માર્કેટમાં ટકી શકે તેમ છે નહીં તો હાલમાં 50 જેટલા કારખાના બંધ છે અને આવીને આવી પરિસ્થિતી રહી તો આગામી દિવસોમાં હજુ વધુ કારખાના બંધ થાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી
