મોરબીના લાલપર નજીક રોડ ક્રોસ કરતા યુવાનનું વાહન અકસ્માતમાં મોત
SHARE







મોરબીના લાલપર નજીક રોડ ક્રોસ કરતા યુવાનનું વાહન અકસ્માતમાં મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતો યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે ત્યાં લાલપર નજીક આવેલ હોટલ પાસે અજાણ્યા ટ્રક જેવા ભારે વાહનના ચાલકે તેને હળફેટ લઇને અકસ્માત સર્જતા તે બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લાલપર ગામ પાસે આવેલ વિસ્તારમાં રહેતા જોગીન્દ્રભાઈ દેવીસિંહ પરમાર જાતે રાજપુત નામના 43 વર્ષના મૂળ ઉત્તરપ્રદેશના યુવાનનું વાહન અકસ્માતના બનાવમાં મોત થયુ હતું.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ગત તા.19 ના સાંજના સાતેક વાગ્યે લાલપર ગામ પાસે આવેલ આદિત્ય હોટલ પાસે સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં જોગીન્દ્રભાઈ રાજપુતનું મોત થયું હતું.તેઓ પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા ટ્રક જેવા ભારે વાહનની હળફેટ ચડી જતાં આ ગોજારો અકસ્માત બનાવ બન્યો હતો.હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના બીટ જમાદાર વી.ડી. ખાચર બનાવ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી-વાંકાનેર હાઈવે માટેલ રોડ ઉપર સેપલ સીરામીકમાં રહેતા દિલીપભાઈ શ્યામભાઈ કેરા નામનો 24 વર્ષનો યુવાન મકનસર ગામ પાસે હતો.ત્યાં અકસ્માતમાં ઇજા થતા સારવારમાં સિવિલે લવાયો હતો.તે રીતે જ દાહોદના રહેવાસી કાળુભાઈ સભાભાઇ સંગોડ (ઉમર 15) નામનો બાળક ટંકારાના નેસડા ગામે હતો ત્યાં બાઇક અકસ્માતના બનાવમાં તેને ઈજા થતા સારવારમાં લવાયો હતો.
બેભાન હાલતમાં સારવારમાં
મોરબીના લીલાપર ગામ પાસે આવેલ નવાગામ (લખધીરનગર) ખાતે રહેતા અશોકભાઈ કેશાભાઈ સીતાપરા નામનો 30 વર્ષનો યુવાન કોઈ કારણસર બેભાન થઈ જતા તેને બેભાન હાલતમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ હોસ્પિટલથી જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાગરા દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
