ભારે વરસાદ બાદ સ્વાસ્થ્ય જાળવવા માટે મોરબી આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદની પરિસ્થિતની સર્જન પાણીજન્ય રોગચાળો તેમજ મચ્છરથી ફેલાતી બીમારીઓના ઉપદ્રવ વધવાની સંભાવના રહે છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિની પ્રેરણાથી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ડી.બી. મહેતાના માર્ગદર્શન હેઠળ રોગચાળા અટકાયતી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોને રાખવાની સાવધાની અંગે પણ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાએ મચ્છરના કરડવાથી થતાં વાહકજન્ય રોગો છે, જેથી મચ્છરના કરડવાથી બચો.
મેલેરિયાના લક્ષણો
મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી સાથે સખત તાવ આવે છે. તાવ એક દિવસના આંતરે આવે અથવા દરરોજ આવે. માથું દુઃખે, શરીર દુઃખે, કળતર થાય, ઉલટી થાય, ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે.
મેલેરિયાથી બચવા માટે લેવાના થતા પગલા
મેલેરિયા માદા એનોફિલીસ ધ્વારા ફેલાય છે જે વહેલી સવારે અને મોડી સાંજે કરડે છે. તાવ હોય તો નજીકની આરોગ્યની સંસ્થામાં લોહીની તપાસ કરાવો, સાદો મેલેરિયા હોય તો ૧૪ દિવસની અને ઝેરી મેલેરિયા હોય તો ૩ દિવસની સંપૂર્ણ સારવાર લો, મચ્છરથી બચવા મચ્છર વિરોધી ક્રીમ, કોઈલ અને અગરબત્તી. ઉપયોગ કરો, ઘરમાં અને ઘરની આજુબાજુમાં રહેલ પાણી સંગ્રહના પાત્રોને હવાચુસ્ત ઢાંકણાંથી બંધ રાખો, ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દો અને ભરાયેલ પાણીને વહેવડાવી દો, પાણીના નાના ખાડા ખાબોચીયા પૂરી દો,કાયમી ભરાઈ રહેતા પાણીના તળાવોમાં પોરાભક્ષક માછલીઓ અવશ્ય મુકાવો, ઘરના બારી બારણામાં મચ્છર જાળી લગાવો, ઘરના બારી બારણા, ખાસ કરીને સવાર અને સાંજ બંધ રાખો, સુતી વખતે જંતુનાશક કે સાદી મચ્છરદાનીનો ઉપયોગ કરો, મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવી બિમારીઓ પણ આ સમયમાં વધુ ફેલાય છે ત્યારે તે માટે પણ યોગ્ય તકેદારી રાખવી જરૂરી છે.
ડેન્ગ્યુના લક્ષણો
અચાનક સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થાય, હાથ અને ચહેરા પર ચાકામાં પડે અને નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે, ચિકુનગુનિયાના લક્ષણોઃ અચાનક સખત તાવ સાથે સ્નાયુ અને સાંધાનો સખત દુખાવો, સાંધામાં સોજા આવવા, કોઇક વાર ઉબકા, ઉલટી, પેટનો દુખાવો કે શરીર પર ચાકામાં પડે.
ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાથી બચવા માટે લેવાના થતા પગલાઓ
માદા એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાય છે. જે દિવસે કરડે છે, આ મચ્છરોના ડંખથી બચવા આખી બાંયના કપડા પહેરવા તથા શરીરના ખુલ્લા ભાગ પર ક્રીમ નો ઉપયોગ કરવો,મચ્છરદાનીનો ઉપયોગ કરવો, દર્દીએ મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો, પાણી સંગ્રહ કરવાના થતા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા, અઠવાડિયામાં એક વખત પાણી સંગ્રહના તમામ પાત્રો સાફ કરી સૂકવીને ઉપયોગમાં લેવા, અઠવાડિયામાં એક દિવસ સૂકા દિવસ તરીકે રાખવો, દર અઠવાડીયે ફુલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહના તમામ પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા, બારી બારણામાં મચ્છરજાળી લગાવવી, ઘર, ધાબા પર અને ઘરની આસપાસ પડી રહેલ નકામાં ખાલી પાત્રો,ભંગાર, ટાયર, નાળીયેરની કાછલી વગેરેનો નાશ કરવો, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાના તાવ દરમ્યાન પુષ્કળ પ્રવાહી લેવું અને આરામ કરવો,
સારવાર માટે એસ્પીરિન દવાનો ઉપયોગ કરવો નહીં, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાની કોઇ ખાસ દવા બજારમાં ઉપલબ્ધ નથી જેથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં સહિતની તકેદારી રાખવા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે.