મોરબીમાં મારામારીના અનેક બનાવોમાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક વખત મારામારીના બનાવમાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.જે મેજિસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા તે શખ્સને પકડીને હાલ ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.એસ.પટેલ તથા સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે તેઓના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલ મારામારીના અગાઉના અનેક બનાવોમાં પીન્ટુભાઇ નારણભાઈ અજાણા રબારી (ઉમર ૨૫) રહે.ઘુનડા તા.ટંકારા જી.મોરબી સંડોવાયેલ હોય તેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે જી.મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવતા આ દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.જેથી પીન્ટુ અજાણાને પકડીને હાલ હુકમ મુજબ ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
દાઝી ગયેલ યુવાન સારવારમાં
હળવદ તાલુકાના કડીયાણા ગામે આવેલ નિયોની પેપરમીલ નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા શિવઅવતાર બાલકરામ વર્મા નામના ૨૦ વર્ષના યુવાનને દાજી ગયેલ હાલતમાં સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તે તા.૮ ના રોજ સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં યુનિટમાં કામ કરતો હતો.ત્યારે તેના ઉપર ગરમ પ્રવાહી પડ્યું હતું.જેથી તે દાજી ગયો હોય તેને અત્રે સારવારમાં લાવવામાં આવ્યો હતો.એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા રમેશભાઈ કરસનભાઈ લોરીયા નામના ૪૮ વર્ષના યુવાનને તેના ગામમાં બસ સ્ટેશન પાસે ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઈજા થતા વાંકાનેર સિવિલ બાદ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના દોલતપુરા ગામના વતની વિકાસ વિજેન્દ્રસિંહ નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈ જવાયો હતો.તેમજ મોરબીની અનુપમ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટ ખાતે રહેતા પીયુષ શાંતિલાલ છગાણી નામના ૪૦ વર્ષીય યુવાનને સેવા સદન પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો.
મારામારીમા ઈજા થતા સારવારમા
મોરબી લખધીરપુર રોડ ઉપર આવેલ લ્યુમેન સિરામિક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા નિતેશ ખીમજીભાઇ જેઠવા નામના ૩૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી ટ્રાન્સપોર્ટ ખાતે થયેલ મારામારીના બનાવની તાલુકા પોલીસમાં જાણ થતા સ્ટાફના નંદરામભાઈ મેસવાણી દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે માળિયા મીંયાણાના ખાખરેચી ગામે રહેતા સંતોષ ભરતભાઈ કાત્રોડીયા નામના નવ વર્ષના બાળકને અજાણ્યા બાઈક વાળાએ હડફેટ લેતા ઇજા પામતા અત્રે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારામાં નાના ખીજડીયા ગામે રહેતા નરભેરામભાઈ પ્રેમજીભાઈ બારૈયા નામના ૫૫ વર્ષના આધેડ ટ્રેક્ટર લઈને જતા હતા ત્યારે પડી જતા ઈજા થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.