મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના બે લાખ રૂપિયા લેનાર યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો: ખેતી જમીન પડાવી લેવા કારસો કરનારા ત્રણ સામે ફરિયાદ મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના મામાને યુવતીના પિતા સહિતના ત્રણ વ્યક્તિઓએ માર માર્યો: સામસામી ફરિયાદ ભલાઈનો જમાનો નથી!: મોરબીમાં પડોશીને આર્થિક મદદ કરવા પોતાના નામે બે લોન લઈને આપનારા આધેડને છરીના ઘોદા મારી દેવાની ધમકી વધુ એક ફ્રોડ: મોરબીમાં કે.એફ.સી. કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીને મહિલા સાથે 38.32 લાખની છેતરપિંડી વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ
Breaking news
Morbi Today

ગુજરાતી પત્રકારત્વના દ્વિશતાબ્દી વર્ષનો પ્રારંભ:200 વર્ષના અનેક પડાવો


SHARE











ગુજરાતી પત્રકારત્વના દ્વિશતાબ્દી વર્ષનો પ્રારંભ:200 વર્ષના અનેક પડાવો

તા.1લી જુલાઈ, 2021ના રોજ ગુજરાતી પત્રકારત્વ તેના 199 વર્ષ પુરા કરીને 200માં વર્ષમાં પ્રવેશશે. આ 200 વર્ષનો ઇતિહાસ ક્રમબદ્ધ રીતે લખાવો જોઈએ. છુટાછવાયા જે પ્રકરણો લખાયા છે તે એકત્રિત કરીને એક સળંગ કથા ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષના ઈતિહાસની ગ્રંથસ્થ થવી જોઈએ.આવતીકાલના દિવસનું મહત્વ એ છે કે આ દિવસે આજથી 199 વર્ષ પહેલા એટલે  કે,પહેલી જુલાઈ,1822ના રોજ ગુજરાતી પત્રકારત્વનો સુરજ ઉગ્યો અને આપણી આ ભાષાને પોતાનું પહેલું અખબાર "શ્રી મુંબઈના સમાચાર" પ્રાપ્ત થયું. શરૂઆતમાં અઠવાડિક તરીકે પ્રગટતું આ અખબાર દસ વર્ષ પછી દૈનિકમાં ફેરવાયું.આ અખબાર પ્રગટ કરનાર ફરદુનજી મર્ઝબાને તેના પ્રચાર માટે તારીખ 10/06/1822ના દિવસે 'મદેહનજર' શીર્ષક તળે જે ચોપાનિયાં છપાવ્યા તેનું ગુજરાતી માણવા જેવું છે.વાંચો."શરવે ગુજરાતી વાંચનારા શેઠ લોકોની શેવામાં શેવક ફરદુનજી મોબેદ મરજબાનજી અરજ અને જાહેર અને જાણીતું કરે છે જે એ શેવકે ગુજરાતી ભાષા મધે એક અઠવાડિયાનું નીઉજ પેપર એટલે અઠવાડિઆના સમાચાર છાપવા થેડવેઉ છે ને તારીખ 1લી આવતા જુલાઈ મહિનાની,સંવત 1978ના આખાડ શુદી બારસને શોમવારને દંતથી પહેલું 'શ્રી મુંબઈના શમાચાર' પતર પરેશ મધેથી એટલે જે છાપાના ઈઅંતર મધેથી બાહર પડશે."આવી ભાષા સાથે ગુજરાતી અખબાર અને પત્રકારત્વનો જન્મ થયો. મુંબઈમાં શરુ થયેલા ગુજરાતી પત્રકારત્વની અસર નજીકના શહેર સુરતને થાય એ સ્વાભાવિક છે. મુંબઈ સમાચાર પછી 1863માં સુરતના પ્રવીણકાન્ત ઉત્તમરામ રેશમવાલાએ "ગુજરાત મિત્ર"નામનું દૈનિક અખબાર શરુ કર્યું. એ પછી વીર નર્મદે તા.1/09/1864ના રોજ 'દાંડિયો' અખબાર પ્રગટ કર્યું. આ રીતે મુંબઈ પછી ગુજરાતના પત્રકારત્વનો પ્રારંભ સુરતથી થયો. ગુજરાતી પત્રકારત્વનું આ ઝરણું 1895માં અમદાવાદ આવ્યું અને 'પ્રજાબંધુ' નામનું અખબાર શરુ થયું. ગુજરાતમાં શરુ થયેલા પત્રકારત્વમાં વીસમી સદીના પ્રારંભે ગાંધીજી પ્રવેશે છે. તેમના તંત્રીપદે તા. 8/08/1919ના રોજ 'નવજીવન'નો પ્રથમ અંક બહાર પડે છે.તે પછી તેનું 1932માં 'હરિજન બંધુ' નામાકરણ કરવામાં આવ્યું.'હરિજન બંધુ' 1940 પછી બંધ થયું અને પુન: 1946 થી 1948 દરમિયાન 2 વર્ષ માટે પ્રગટ થયેલું. ગુજરાતી પત્રકારત્વ અને સ્વાતંત્ર્ય સંગ્રામ જાણે સાથે ચાલતા હોય એવું જણાય.આઝાદી પહેલા શરુ થયેલા મોટા ભાગના અખબારો સ્વતંત્રતાની લડતને બળ આપવા માટે અસ્તિત્વમાં આવ્યા હોય એવું લાગે. સુરતથી 'પ્રતાપ' નામનું અખબાર સ્વાતંત્ર્ય સેનાની કાલિદાસ શેલતે 1926માં શરૂ કર્યું અને 16મી જુલાઈ 1989 સુધી એ પ્રગટ થતું રહ્યું. આ પહેલા અમદાવાદથી નંદલાલ બોડીવાલાએ તા.28/08/1923ના રોજ સાંજે પ્રગટ થતા અખબાર તરીકે 'સંદેશ' દૈનિકનો પ્રારંભ કર્યો. આ અખબાર 1930થી સવારનું થયું. 1895થી શરૂ થયેલા 'પ્રજાબંધુ' અખબારનું તા.16/01/1932થી 'ગુજરાત સમાચાર'માં પરિવર્તન થયું. આ બંને અખબારોની અસર સમગ્ર ગુજરાતમાં વર્ષોથી રહી છે. અમદાવાદથી 'જય હિન્દ' દૈનિક પણ છેલ્લા 60 વર્ષથી (26/01/1962)થી પ્રગટ થાય છે. પહેલા 1931માં સ્વાતંત્ર્ય સેનાની અમૃતલાલ શેઠે મુંબઈમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટની સ્થાપના કરી અને તેના નેજા નીચે પ્રારંભમાં 'ઘી સન' નામનું અંગ્રેજી અખબાર પ્રગટ કર્યું.તે બરોબર ચાલ્યું નહિ એટલે તા.09/06/1934માં 'જન્મભૂમિ' દૈનિકનો પ્રારંભ કર્યો જે આજ સુધી પ્રગટ થાય છે.મુંબઈથી સુરત, અમદાવાદ સુધી પહોંચેલું ગુજરાતી પત્રકારત્વ સૌરાષ્ટ્રમાં પણ પહોંચી ગયું. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા  રાજકોટથી પ્રગટ થતા 'ફુલછાબ' દૈનિકને 100 વર્ષ પુરા થયા છે અને ભુજથી પ્રગટ થતું 'કચ્છમિત્ર' દૈનિક આવતા માસે 75 વર્ષ પુરા કરશે.ફૂલછાબ દૈનિકે વાંચકો સાથે સીધો સંવાદ પત્રો દ્વારા કરવાની જે પરંપરા ઉભી કરી છે એ બેમિસાલ છે. આ ઉપરાંત રાજકોટથી સવારે પ્રગટ થતા 'જય હિન્દ' દૈનિકને પણ 74 વર્ષ(તા.12/03/1947),સાંજે પ્રગટ થતા 'અકિલા' દૈનિકને 46 વર્ષ પુરા થયા છે. આ અકિલા દૈનિક 1975માં પખવાડિક તરીકે યુનિવર્સીટીના સમાચારો માટે શરુ કરાયેલું અને 15 ઓગષ્ટ,1978થી એ રાજકોટનું સાંધ્ય દૈનિક બન્યું.આ ઉપરાંત રાજકોટથી સાંજ સમાચાર, આસપાસ વગેરે સાંધ્ય દૈનિકો પણ પ્રગટ થાય છે.સાંજે પ્રગટ થતા દૈનિકોમાં જામનગરથી આજે પણ પ્રગટ થતું 'નોબત' દૈનિક સૌથી જૂનું છે. 'નોબત' દૈનિક 1956માં સ્વ.રતિલાલ માધવાણીએ શરુ કરેલું.જામનગરનું સાંધ્ય દૈનિક 'ભૂમિ' પણ 1973થી પ્રગટ થાય છે.જુનાગઢમાંથી સાંધ્ય દૈનિક તરીકે બહાર પડતું 'સૌરાષ્ટ્ર ભૂમિ' પણ લોકપ્રિય છે. 'ગુજરાત સમાચાર'ના શાંતિલાલ શાહે 1962માં ભાવનગરથી 'સૌરાષ્ટ્ર સમાચાર' નામનું દૈનિક શરુ કર્યું પણ એક વર્ષ પછી 1963માં એ બંધ પડ્યું. 1964માં ગુજરાતના તત્કાલીન ધારાસભ્ય અને પ્રખર રાજકારણી સ્વ.પ્રતાપ શાહે 'સૌરાષ્ટ્ર સમાચાર'નું સંચાલન સંભાળ્યુ અને ભાવનગરમાં બેહદ લોકપ્રિય કર્યું જે પછીથી દિવ્ય ભાષ્કર ગ્રૂપે ખરીદી લીધું.ભાવનગરમાંથી 'પગદંડી', 'લોકરાજ', 'સમીસાંજ' વગેરે અખબારો પણ પ્રગટ થતાં આ પૈકી હાલ માત્ર 'પગદંડી' બહાર પડે છે.      

ગુજરાતી પત્રકારત્વનો 200 વર્ષનો ઇતિહાસ ભાતીગળ છે. જુગતરામ રાવલ આઝાદી પહેલા કરાંચીથી'સિંધ સમાચાર' નામનું અખબાર પાડતા. ભાગલા પછી રાજકોટ આવ્યા અને 1948ની 2જી સપ્ટેમ્બરથી રાજકોટમાં 'નૂતન સૌરાષ્ટ્ર' નામનું અખબાર શરુ કર્યું. આ અખબાર તેમના અવસાન પછી તેમના પુત્ર હસમુખ રાવલે અને પૌત્ર વિક્રમ રાવલે સંભાળ્યું.રાજકોટના પત્રકારોની પાઠશાળા ગણાતા આ અખબારમાં સૌરાષ્ટ્રના અનેક પત્રકારો તાલીમ પામીને નામના પામ્યા. જેમાં મનસુખ જોશી,કૌશિક મહેતા,સૂર્યકાન્ત મહેતા વગેરેનો સમાવેશ થાય.અમદાવાદથી એક ગુજરાતી દ્વારા("ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' આવ્યું એ પહેલા) પ્રથમવાર એક અંગ્રેજી અખબાર 'વેસ્ટર્ન ટાઈમ્સ' 1967માં પ્રગટ થયું.આજ અખબારની ગુજરાતી આવૃત્તિ 1986થી શરુ કરવામાં આવી. આ રીતે આ અખબારની અંગ્રેજી આવૃતિ 54 વર્ષથી અને ગુજરાતી આવૃત્તિ અને 35 વર્ષથી બહાર પડે છે.આ ગુજરાતી પત્રકારત્વની વૈશિષ્ટ ઘટના ગણાય.આ બંને આવૃત્તિના તંત્રી રામુ પટેલ ગુજરાતના એક અગ્રીમ પત્રકાર તરીકે નામના પામેલા.જેના માલિક નોન-ગુજરાતી છે એવું 'દિવ્ય ભાસ્કર' દૈનિક ગુજરાતમાં તા.22/06/2003 થી આવ્યું.એ અગાઉ 'ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' ગુજરાતીમાં પણ પ્રગટ થયેલું અને થોડા વર્ષો પછી બંધ થઇ ગયેલું.એ ગ્રુપ દ્વારા 'નવગુજરાત સમય' નામનું ગુજરાતી દૈનિક તારીખ 15/01/2013થી શરુ કરવામાં આવ્યું.ગુજરાતના પત્રકારત્વના પુરા થતા 199 વર્ષ નિમિત્તે એક વિશેષતા પણ નોંધી લઈએ. સુરેન્દ્રનગરના ભાનુભાઇ શુક્લ દ્વારા તા.02/11/1950થી શરુ કરાયેલું 'સમય' નામનું અઠવાડિક અખબાર આજે 71 વર્ષ પછી પણ ઝાલાવાડમા લોકપ્રિય અને અડીખમ છે.ગુજરાતના પાટનગર તરીકે 1970થી અસ્તિત્વમાં આવેલા ગાંધીનગરમાં કૃષ્ણકાંત જહાના તંત્રીપદ હેઠળ  તા.22/02/1982થી 'ગાંધીનગર સમાચાર'નામનું અઠવાડિક શરુ થયું જે 12/03/1986થી દૈનિકના રૂપમાં ફેરવાયું

મુંબઈથી હસમુખ ગાંધીના તંત્રીપદ હેઠળ પ્રગટ થતા 'સમકાલીન' અખબારે ગુજરાતી પત્રકારત્વમાં એક અલગ જ ભાત પાડેલી. 'જનસત્તા-લોકસત્તા' દૈનિકે પણ એક જમાનામાં ગજું કાઢેલું.આ બધા અખબારોને કારણે ગુજરાતને ઝવેરચંદ  મેઘાણી,શાંતિલાલ શાહ,ચીમનભાઈ પટેલ, રવિશંકર મહેતા, મોહનલાલ મહેતા 'સોપાન',  હરીન્દ્ર દવે,હસમુખ ગાંધી, હરસુખ સંઘાણી, રામુ પટેલ, ભાનુભાઇ શુક્લ,હસમુખ રાવલ,કુંદન વ્યાસ જેવા માતબર તંત્રીઓ અને યજ્ઞેશ શુક્લ,કકલભાઈ કોઠારી,રમણલાલ શેઠ,ભૂપત વડોદરિયા,પત્રકાર શિરોમણી તરીકે પંકાયેલા વાસુદેવ મહેતા, ગુણવંત છો. શાહ, રીખવદાસ શાહ,  ભગવતીકુમાર શર્મા, મનુભાઈ મહેતા,બળવંતરાય શાહ, અજય ઉમટ જેવા દિગજ્જ અને ગૌરવશાળી પત્રકારો પ્રાપ્ત થયા છે. રવિશંકર મહેતા તો 'તંત્રીઓના તંત્રી'નું બિરુદ પામેલા તેજસ્વી વ્યક્તિ હતા. અમેરિકાની સરકારના  આમંત્રણથી અમેરિકા ગયેલા ભારતના વરિષ્ટ તંત્રી મંડળમાં રવિશંકરભાઈનો સમાવેશ થયેલો.મહાગુજરાતની ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિક પણ પત્રકાર હતા.ગુજરાતના પત્રકારત્વના 200 વર્ષની વાત અહીં "ગાગરમાં સાગર સમાવવા"ના પ્રયત્ન રૂપે મૂકી છે. જો કોઈ અખબાર કે પત્રકારનું નામ ભુલાઈ ગયું હોય તો તેને ક્ષમ્ય ગણવા વિંનતી છે. આવતીકાલથી આખા વર્ષ દરમિયાન આવું બધે લખાતું રહે એવા આશયથી આજે અહીં એક સ્મરણ દીપ પ્રગટાવ્યો છે.હવે, "જ્યોત સે જ્યોત જલાકે ચલો"ની ભાવના જાગૃત થાય એવી અભ્યર્થના છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ            




Latest News