કચ્છ નેશનલ હાઇવે બંધ થતાં પ્રોપેન ગેસના 125 ટેન્કર ફસાયા: મોરબીના 60 થી વધુ સિરામિક કારખાના બંધ થાય તેવા સંકેત
SHARE







કચ્છ નેશનલ હાઇવે બંધ થતાં પ્રોપેન ગેસના 125 ટેન્કર ફસાયા: મોરબીના 60 થી વધુ સિરામિક કારખાના બંધ થાય તેવા સંકેત
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીક કારખાનાઓની અંદર સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે થઈને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને પ્રોપેન ગેસના ટેન્કર કંડલા થી મોરબીના સિરામિક ઉદ્યોગમાં આવતા હોય છે જોકે મોરબીથી કંડલા બાજુ જતા નેશનલ હાઈવે રોડ ઉપર મચ્છુના પાણી ફરી વળ્યાં છે જેથી કરીને મંગળવારે સવારે 10:00 વાગ્યાથી આ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે અને જેના કારણે કંડલા બાજુથી પ્રોપેન ગેસના ટેન્કરો ન આવતા મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થઈ ગયો છે.
મોરબીની આસપાસના વિસ્તારમાં અંદાજે 700 જેટલા સિરામિકના કારખાના હાલમાં ચાલી રહ્યા છે અને તે કારખાનાઓની અંદર સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે થઈને નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને નેચરલ ગેસ ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરો પાડવામાં આવે છે જોકે, તેનો ભાવ વધુ હોવાના કારણે મોટાભાગના સિરામિક ઉદ્યોગકારો દ્વારા પોતાના કારખાનાની અંદર સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે થઈને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પ્રોપેન ગેસ કંડલાથી ટેન્કર મારફતે મોરબીના સિરામિક કારખાના સુધી લઈ આવવામાં આવતો હોય છે.
જોકે, છેલ્લા ત્રણ દિવસની અંદર પડેલા ભારે વરસાદના કારણે મોરબીમાં મચ્છુ 1, મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા અને જેથી કરીને મોટા પ્રમાણમાં પાણીનો જળ જથ્થો નદીમાં પડવામાં આવતા માળિયા નજીક નેશનલ હાઈવે રોડ ઉપરથી મંગળવારે સવારે 10:00 વાગ્યાથી મચ્છુના પાણી ફરી વળતા લગભગ 26 કલાક સુધી પાણી નેશનલ હાઈવે રોડ ઉપર હતા અને તે પાણી ગયા બાદ હાઇવે રોડના ભુક્કા બોલી ગયા છે અને ડામર પણ તૂટી ગયો છે. જેથી કરીને તેનું રીપેરીંગ કામ કરવામાં આવે ત્યારે બાદ તે રસ્તો શરૂ થઈ શકે તેવી શક્યતાઓ છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે.
હાલમાં કારખાનેદારો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ કંડલા બાજુથી મોરબી મોકલવામાં આવેલા સવા સો જેટલા પ્રોપેન ગેસના ટેન્કરો હાલમાં સામખયારી નજીક રોકાઈ ગયા છે અને જો એ ટેન્કર મોરબી ન પહોંચે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને કારખાના ના છૂટકે બંધ કરવા પડે અથવા તો તેઓને મોંઘા ભાવનો નેચરલ ગેસ પોતાના કારખાનામાં ઉત્પાદન લેવા માટે વાપરવો પડે તેવી શક્યતા છે. અને જો પ્રેપેન ગેસના ટેન્કર ન આવે તો લગભગ વધુ 60 જેટલા કારખાના બંધ કરવામાં આવે તો નવાઈ નથી.
