મોરબી જિલ્લામાં ખેતીના પાકોને 88 ટકાથી વધુ નુકશાન: ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની સરપંચો-ખેડૂતોની માંગ
SHARE
મોરબી તાલુકાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની સરપંચો ખેડૂતોની માંગ: જિલ્લામાં સરેરાશ 88 ટકાથી વધુ નુકશાન
ટંકારા વિધાનસભા વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને ખેડૂતો આજે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી કરીને ખેડૂતો ઉપર આવી પડેલ મુસીબતને ધ્યાને રાખીને ખેડૂતોનું આર્થિક સંકટ દૂર કરવા માટે સરકાર દ્વારા તમામ દેવુ સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આવેદનપત્ર અપાયું છે.
ગત ઓક્ટોબર મહિનાના અંતમાં સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયો હતો તેવી જ રીતે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કમોસમી વરસાદ થયો છે જેના કારણે કપાસ, મગફળી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેતીમાં થયેલ નુકસાન માટે જિલ્લા પંચાયત દ્વારા તાત્કાલિક ટીમો પણ દોડાવવામાં આવી હતી જોકે, ખેડૂતોને થયેલ નુકસાન સામે વળતર ચૂકવવાથી ખેડૂતો બેઠા થઈ શકે તેમ નથી જેથી કરીને આજે ટંકારા વિધાનસભા વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના ખરેડા, વાંકડા, માંડલ, આદરણા, જીકીયારી સહિતના 10 જેટલા ગ્રામ્ય વિસ્તારોના સરપંચો તથા ખેડૂતો અને મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ રવિરાજસિંહ પરમાર સહિતના હોદ્દેદારોની હાજરીમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
હાલમાં ખેડૂતો દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમ જણાવ્યું છે કે, તેઓને માત્ર વળતર નહીં પરંતુ તેઓએ ખેતીના પાક માટે લીધેલ ધિરાણના દેવા માફ કરવામાં આવે તો જ ખેડૂતો બેઠા થઈ શકે તેમ છે અને વર્ષ 2020 થી પાક વીમા યોજના બંધ કરવામાં આવેલ છે તેને સરકાર દ્વારા પુનઃ શરૂ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે
ચાલુ વર્ષે ચોમાસુ પાક લેવા માટે થઈને મોરબીમાં કપાસ, મગફળી સહિતના જુદા જુદા પાકોનું ખેડૂતો દ્વારા કુલ મળીને 3.17 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું અને પાક તૈયાર થવાની અણી ઉપર હતો ત્યારે પડેલા કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના તમામ પાકોમાં મોટું નુકસાન થયું છે અને 2.79 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે તેવું જિલ્લાના ખેતીવાડી અધિકારી હિમાંશુભાઈ ઉસદડીયાએ જણાવ્યું છે. એટલે કે, જિલ્લામાં સરેરાશ 88 ટકા જેટલું નુકશાન થયું છે. જો કે, હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા ખેડૂતોને વળતર ક્યારે ચુકવવામાં આવે છે ?, કેટલું ચૂકવવામાં આવે છે ? અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે છે કે કેમ ? તેના ઉપર સહુની નજર મંડાયેલી છે.









