ગૌવંશોની અદ્ભુત સેવા, ગાય દત્તક યોજના: મોરબીના રાજપર ગામે ગૌશાળાની ગાયોને ગ્રામજનોએ લીધી દત્તક
SHARE









ગૌવંશોની અદ્ભુત સેવા, ગાય દત્તક યોજના: મોરબીના રાજપર ગામે ગૌશાળાની ગાયોને ગ્રામજનોએ લીધી દત્તક
અનાથ બાળકોને અનાથાશ્રમમાંથી લોકો દતક લેતા હોય તેવું તો તમે લોકોએ ચોક્કસ સાંભળ્યું હશે પરંતુ મોરબી તાલુકાના રાજપર ગામે ગૌશાળાની ગાયોને લેવામાં આવે છે દત્તક.. આ વાતને સંભાળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે મોરબી નજીકના રાજપર ગામે વર્ષોથી ગૌ સેવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને ગાયોને સેવાના કાર્યમાં ગામના યુવાનોને કોઈ પણ કામ સોપવામાં આવેતો તે તેમાં જરાપણ નાનપ અનુભવ્યા વગર કામ કરતા હોય છે.
આજની તારીખે શહેર અને ગામડાઓમાં રસ્તા ઉપર રઝળતી સ્થિતિમાં ગૌવંશ જોવા મળતા હોય છે ત્યારે કેટલાક ગામોમાં ગૌવંશોની અદ્ભુત સેવા કરવામાં આવતી હોય છે જે ગામોમાં મોરબી તાલુકાના રાજપર ગામો પણ સમાવેશ કરવો પડે તેમ છે કેમ કે, આ ગામમાં ગૌશાળાની ગાયોને દતક લઈને તેનું જતન કરવામાં આવે છે
સામાન્ય રીતે ગામડે ગામડે આવેલી ગૌશાળાના નિભાવ માટે ગામના યુવાનો દ્વારા નાટક કરવામાં આવે છે તેમજ ઢોલ ત્રાંસા વગાડવામાં આવતા હોય છે અને તેમાંથી થતી આવકમાંથી જ ગૌશાળામાં રેહતી ગાયોનો નિભાવ કરવામાં આવતો હોય છે જો કે મોરબી તાલુકાના નાન એવા રાજપર ગામના યુવાનો દ્વારા ગૌશાળાની ગાયો માટે ગાય દતક યોજના બનવવામાં આવે છે અને ગામમાં લોકો દ્વારા ગાયોને દત્તક લેવામાં આવે છે તેવું રાજપર ગૌશાળાના સંચાલક કેશુભાઈએ માહિતી આપતા જણાવ્યુ છે.
રાજપરના યુવાનનો ગાયોની સારી રીતે સેવા કરતા હોવાથી લોકો દ્વારા ગાયોના કામ માટે છુટા હાથે આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે અને ગાય દતક યોજનામાં જે વ્યક્તિ દ્વારા ગૌશાળાની ગાયને દતક લેવામાં આવે છે તેની પાસેથી વર્ષે 13,200 રૂપિયા લેવામાં આવેલ છે. જેનો ઉપયોગ કરીને ગાયનો વાર્ષિક નિભાવ કરવામાં આવે છે.
આ ગૌશાળાની ગાઈને દત્તક લેનાર જયેશભાઇ મારવાણીયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગામના જે વ્યક્તિ દ્વારા ગૌશાળાની ગાય દતક લેવામાં આવે છે તેની પાસે દતક લીધે ગાયના વાર્ષિક ખર્ચ માટેની રકમ લેવા માટે ગૌશાળાના સંચાલકોને જવું પડતું નથી, કેમ કે, ગાયોની જે રીતે આ ગૌશાળામાં યુવાનો દ્વારા સેવા કરવામાં આવે છે તે જોઈને ગ્રામજનો તરફથી પણ પુરતો સહકાર આપવાના ભાવ સાથે સામેથી જ તેની દત્તક લીધેલ ગાયની વાર્ષિક રકમ ગૌશાળામાં આપી જવામાં આવે છે.
છેલ્લા ઘણા વર્ષોથી રાજપર ગામમાં ગૌશાળા આવેલી છે જો કે, પહેલા યુવાનો દ્વારા ઢોલ ત્રાંસા વગાડીને તેમજ નાટક કરીને ફાળો એકત્રિત કરીને તેમાં જે રકમ આવે તેનો ઉપયોગ કરીને ગૌસેવા કરવામાં આવતી હતી. જો કે, ગૌશાળામાં રાખેલ ગાયોને દતક લઈને ગામના લોકો ગૌસેવામાં સહકાર આપે છે. જેથી આજની તારીખે આ ગામમાં રસ્તે રઝળતી ગાય જોવા મળતી નથી. અને જો આવી જ રીતે ગુજરાતનાં જુદાજુદા ગામાં અને શહેરમાં ગાયોને દત્તક લેવામાં આવે તો રસ્તે રઝળતી ગાય નહિ રહે તે નક્કી છે.
વધુમાં માહિતી આપતા ગામના આગેવાન વિજયભાઈ કોટડીયાએ જણાવ્યુ હતું કે, આજની તારીખે રાજપર ગામની ગૌશાળામાં 150 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે. અને તેના નિભાવ માટે નવરાત્રી દરમ્યાન એક નાટક કરવામાં આવે છે જેમાં યુવાનને સ્ત્રીનું પાત્ર આપવામાં આવે તો પણ તે ગાયના સેવાના કામ માટે પાત્ર ભજવે છે અને જો કે, આવી ગૌ સેવા શેહરી વિસ્તારમાં રેહતા લોકો કે પછી આખો દિવસ મોબાઈલ ફોનમાં રચ્યા પચ્યા રેહતા યુવાનો કરી શકે નહિ તે હક્કિત છે.
રાજપર ગામના યુવાનો દ્વારા ઢોલ ત્રાંસા વગાડી, નાટક કરીને અને ગૌશાળાની ગાયોને દતક આપીને ગૌશાળાની ગાયોનો સારી રીતે નિભાવ કરવામાં આવી રહ્યો છે જે કામ હવે અન્ય ગામના લોકો માટે પણ પ્રેરણારૂપ બને તો નવાઈ નહિ, કેમ કે, યુવાનો દ્વારા બનાવવામાં આવેલ ગાય દતક યોજના થકી આ ગામના યુવાનો સહિતના લોકો ગાય અને ગૌશાળા સાથે જોડાયા છે. આવું બીજા ગામમાં પણ ભવિષ્યમાં બની શકે છે.
