મોરબીના ઘુંટુ ગામ પાસે ફોરટ્રેકની બંને બાજુએ બનાવેલ ગટરના કામમાં લોટ પાણીને લાકડા: ગામ લોકોનો આક્ષેપ
SHARE
મોરબીના ઘુંટુ ગામ પાસે ફોરટ્રેકની બંને બાજુએ બનાવેલ ગટરના કામમાં લોટ પાણીને લાકડા: ગામ લોકોનો આક્ષેપ
મોરબીથી હળવદ સુધીનો રસ્તો ફેરટ્રેક બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે અને મોરબીના ઘુંટુ ગામ પાસે હાલમાં કોન્ટ્રાકટર કામ કરી રહ્યો છે તેમાં લોટ પાણીને લાકડા જેવુ કામ કરવામાં આવે છે તેવો ગામના લોકોએ આક્ષેપ કરેલ છે. અને મેઇન રસ્તા ઉપરથી ગામમાં જવાના રસ્તે જે વરસાદી પાણીના નિકાલ માટેની ગટર પર બનાવેલ છે તેના ઉપરથી બાઇક નીકળે તો પણ તે તૂટી જાય છે.
સરકાર દ્વારા લોકોને સારા રોડની સુવિધા મળે તેના માટે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે જો કે, અધિકારીની બેદરકારી અને કોન્ટ્રાકટર દ્વારા આડેધડ કામ કરવામાં આવે છે જેથી કરીને લોકોને સારી સુવિધાઓ મળતી નથી તે હક્કિત છે ત્યારે મોરબીની વાત કરીએ તો હાલમાં મોરબીથી હળવદ સુધીના સ્ટેટ હાઈવેના રોડને ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અને મોરબી તાલુકાનાં ઘુંટુ ગામ પાસે રોડની બંને બાજુએ વરસાદી પાણીના નિકાલ માટે જે ગટર બનાવવામાં આવેલ છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા લોટ પાણીને લાકડા જેવી કામગીરી કરવામાં આવે છે તેવી માહિતી આ ગામના ઉપસરપંચ ગૌતમભાઈ કૈલાએ આપેલ છે.
તો આ ગામના રહેવાસી કૈલા બેચારભાઈ, અરવિંદભાઈ વડેચા અને ખોડીદાસભાઈ ધોરીયાણીએ જણાવ્યુ હતું કે, હાલમાં જે ગટર બનાવેલ છે તેના ઉપરથી ભારે વાહન તો દૂરની વાત છે બાઇક લઈને કોઈ નીકળે કે પછી ચાલીને નીકળે તો પણ તે તૂટી જાય તેવી સ્થિતિ છે જેથી સારી ગુણવતા વાળું કામ કરાવવામાં આવે તેવી માંગ ગામના લોકોએ કરેલ છે. વધુમાં ગામના લોકોના કહેવા મુજબ જે નવી ગટર થોડા દિવસો પહેલા જ બનાવવામાં આવી છે તેમાં હાલમાં મસમોટો ખાડો પડી ગયો છે અને સળિયા દેખાઈ ગયા છે. ત્યારે રોડની બંને બાજુએ ગામ આવેલ છે અને ખાસ કરીને શાળા પણ ત્યાં આવેલ છે જેથી કરીને કોઈ અકસ્માતનો બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહી ઉઠી રહ્યો છે.