ધરાર વિસર્જન: મોરબીના મચ્છુ-3 ડેમમાં ગણેશ વિસર્જન કરનારા બે ગણેશોત્સવના આયોજકો સામે ગુના નોંધાયા
સમગ્ર ભારતમાં એક માત્ર જગ્યાએ થાય છે એક સાથે માતૃ-પિતૃ શ્રાદ્ધ: મોરબીના રફાળેશ્વર મંદિર સુધી પહોચવા માટે મહત્વની જાણકારી
SHARE
સમગ્ર ભારતમાં એક માત્ર જગ્યાએ થાય છે એક સાથે માતૃ-પિતૃ શ્રાદ્ધ: મોરબીના રફાળેશ્વર મંદિર સુધી પહોચવા માટે મહત્વની જાણકારી
સામાન્ય રીતે પિતૃઓના મોક્ષાર્થે લોકો ધાર્મિક વિધિ કરાવતા હોય છે અને તેમાં પણ ભાદરવા મહિનામાં પિતૃઓના મોક્ષર્થે જુદાજુદા ધાર્મિક સ્થળોએ જઈને લોકો વિધિ કરાવે છે જો કે, સમગ્ર ગુજરાતમાં જુદીજુદી ત્રણથી ચાર જગ્યાએ જ પિતૃ શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવે છે. જેમાં મોરબી જીલ્લામાં આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે અને સમગ્ર ભારતમાં એક માત્ર મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે માતૃ તેમજ પિતૃ શ્રાદ્ધ કરાવી શકાય છે જેથી શ્રાદ્ધ વિધિ કરાવવા માટે આવતા લોકો દેશ ભરમાંથી કેવી રીતે આવી શકે છે અને ત્યાં શું છે વ્યવસ્થા તેનો ખાસ રિપોર્ટ.
પિતૃતર્પણની વિધિ ગુજરાતમાં ત્રણ સ્થળે થાય છે જેમાં પ્રભાસ પાટણ પ્રાંચીમાં પિતૃતર્પણ અને સિધ્ધપુર માતૃતર્પણ થાય છે જો કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક માત્ર રફાળેશ્વર મહાદેવનું મંદિર એવુ છે કે, જ્યાં માતૃ તેમજ પિતૃતર્પણનું કાર્ય એકીસાથે અને એક જ જગ્યાએ થાય છે જેથી ન માત્ર ગુજરાત પરંતુ દેશના જુદાજુદા રાજ્યોમાંથી પણ લોકો પિતૃતર્પણના કાર્ય માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે. અને ત્યાં ધાર્મિક વિધિ કરીને બ્રહ્મ કુંડમાં સ્નાન કર્યા બાદ પારસ પિપળાને એક લોટો જલ ચડાવીને પિતૃઓના મૌક્ષની સાથે ધન્યતાનો શ્રદ્ધાળુઓ અનુભવ કરે છે.
આ મંદિર પાંડવોના યુગથી છે અને સૌ પ્રથમ પાંડવોએ તેના પિતા પાંડુરાજાના મૌક્ષાર્થે ભગવાન શ્રી કૃષ્ણની હાજરીમાં અહી પિતૃતર્પણની વિધિ કરી હતી. ત્યારથી રફાળેશ્વર મંદિરે પિતૃતર્પણની વિધિ કરાવવામાં આવે છે અને ખાસ કરીને ભાદરવા મહિનો તેમજ ચૈત્ર અને કારતક મહિનામાં લોકો તેમના પરિવાર સાથે પિતૃતર્પણ અને માતૃતર્પણની ધાર્મિક વિધિ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. અને ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે નારણબલી, શ્રાદ્ધ વિધિ સહિતની ધાર્મિક વિધિ કરાવવામાં આવે છે.
રેલવે, બસ અને એર કનેક્ટિવિટીથી શ્રદ્ધાળુઓ રફાળેશ્વર પહોચી શકે.
મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવવા માટે થઈને રેલવે, બસ અને એર કનેક્ટિવિટીનો શ્રદ્ધાળુ લાભ લઇ શકતા હોય છે જેમાં જો વાત કરીએ તો મોરબીથી ૧૨ કિલોમીટર અને વાંકાનેરથી ૧૮ કિલોમીટરના અંતરે રફાળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને ત્યાં પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરાવવા માટે થઈને દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યારે સમગ્ર ભારતમાંથી કોઈ પણ વ્યક્તિને ત્યાં શ્રાદ્ધ વિધિ કરાવવા માટે તેને આવવું હોય તો તેઓ રેલ્વે, બસ કે એર મુસાફરી કરીને ત્યાં સુધી કઈ રીતે પહોંચી શકે છે
વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે દૈનિક 32 ટ્રેનોની અવરજવર
વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે દૈનિક 32 ટ્રેનોની અવરજવર છે જેમાં મુંબઈથી ઓખા (22945), પોરબંદરથી મુંબઈ (19016), સોમનાથથી જબલપુર (11463), વેરાવળથી બાંદ્રા (19218), સોમનાથથી ગાંધીનગર (19120/22 958), ઓખાથી ભાવનગર (19210), અમદાવાદથી સોમનાથ (ઇન્ટરસિટી), જામનગરથી બરોડા (22960) અને ઓખાથી અમદાવાદ (22926) ટ્રેનનો સમાવેશ થાય છે. અને તેની કનેક્ટિવિટીમાં મોરબીથી વાંકાનેર વચ્ચે છ વખત આવવા અને છ વખત જવા માટે થઈને ડેમુ ટ્રેન દોડાવવામાં આવે છે જેમાં વાંકાનેરથી રફાળેશ્વર મંદિર સુધી જવા માટે માત્ર 10 રૂપિયાની ટિકિટ આપી પડે છે. અને જો શટલ હોટલ રીક્ષાનો ઉપયોગ કરવામાં આવે તો માત્ર 30 રૂપિયામાં વાંકાનેરથી રફાળેશ્વર સુધી પહોંચી શકાય છે અને જો સ્પેશિયલ વાહન કરવામાં આવે તો 150 રૂપિયામાં ભાડું આપવું પડે છે.
દેશના જુદાજુદા રાજ્યો સાથેની રેલ્વે કનેક્ટિવિટી
વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી અઠવાડિયા દરમિયાન 62 જેટલી વિકલી ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે જેમાં મુખ્ય ટ્રેનની વાત કરીએ તો
રવિવાર: હાપાથી વિલાસપુર, પોરબંદરથી દિલ્હી, ઓખાથી શાલીમાર (કલકત્તા), રાજકોટથી રીવા (એમપી), જામનગરથી બાંદ્રા, સિકંદરાબાથી જામનગર, બાંદ્રાથી સિકંદરાબાદથી રાજકોટ
સોમવાર: ઓખાથી ગોરખપુર, રાજકોટથી સિકંદરાબાદ રામેશ્વરમથી ઓખા, દેહરાદુનથી ઓખા, વૈષ્ણોદેવીથી જામનગર
મંગળવાર: જામનગરથી વૈષ્ણોદેવી, ઓખાથી રામેશ્વરમ, દિલ્હીથી પોરબંદર, મુજ્ફરપુરથી પોરબંદર, બિલાસપુરથી હાપા, વૈષ્ણવદેવીથી હાપા, સિકંદરાબાદથી રાજકોટ
બુધવાર: પોરબંદરથી દિલ્હી, જામનગથરથી વૈષ્ણવદેવી, ઓખાથી નાથદ્વારા, પોરબંદરથી શાલીમાર, ત્રિવેન્દ્રમથી વેરાવળ, ઇન્દોરથી વેરાવળ, સિકંદરાબાદથી રાજકોટ
ગુરુવાર: વેરાવળથી ઇન્દોર, રાજકોટથી સિકંદરાબાદ, વેરાવળથી ત્રિવેન્દ્રમ, પોરબંદરથી શાલીમાર અને રાજકોટથી દિલ્હી
શુક્રવાર: ગાંધીધામથી બાંદ્રા, પોરબંદરથી શાંતરાગાછી (કલકત્તા), ઓખાથી દેહરાદુન, દિલ્હીથી પોરબંદર, પુનાથી વેરાવળ, નાથદ્વારાથી ઓખા, કામખ્યાથી ગાંધીધામ, ગોરખપુર ઓખા
શનિવાર: પોરબંદરથી મુજફરપુર, વેરાવળથી પુના, ગાંધીધામથી કામખ્યા, બાંદ્રાથી ગાંધીધામ અને દિલ્હીથી રાજકોટ ની ટ્રેન વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી હોય છે.
આ ટ્રેન મારફતે ભારતના જુદા જુદા રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ રફાળેશ્વર મહાદેવ મંદિરે આવવા માટે થઈને વાંકાનેર સુધી પહોંચી શકે છે અને ત્યાંથી ખાનગી અથવા તો શટલ રિક્ષાનો ઉપયોગ કરીને તેઓ રફાળેશ્વર મહાદેવ મંદિરને પહોંચતા હોય છે
રફાળેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચવા માટેની એર કનેક્ટિવિટી
જો રફાળેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચવા માટેની એર કનેક્ટિવિટીની વાત કરીએ તો રાજકોટ નજીક હીરાસર એરપોર્ટ આવેલ છે ત્યાં દિવસ દરમિયાન દિલ્હીથી રાજકોટની બે, મુંબઈથી રાજકોટની પાંચમ બેંગ્લોરથી રાજકોટની એક, અમદાવાદથી રાજકોટની એક, ગોવાથી રાજકોટની એક, પુનાથી રાજકોટની એક અને હૈદરાબાદથી રાજકોટની એક આમ કુલ 12 જેટલી ફ્લાઈટોનું આવાગમન થતું હોય છે તેના મારફતે જુદા જુદા રાજ્યમાંથી આવી શકાય છે અને ત્યાર બાદ ત્યાંથી ખાનગી વાહન મારફતે રફાળેશ્વર મંદિરે આવવા માટે એક વખતનું ભાડું 1500 રૂપિયા આપવાનું રહે છે. આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ ઉપરથી રાજકોટ બસ સ્ટેન્ડે જઈને ત્યાંથી સરકારી બસ મારફતે ફરીને જો મોરબી થઈને રફાળેશ્વર સુધી આવે તો સરકારી વાહનમાં અંદાજે 200 થી 250 રૂપિયા જેટલું ભાડે લાગે છે.
શ્રદ્ધાળુઓ માટે રહેવાની ક્યાં અને કેવી વ્યવસ્થા ?
મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતા લોકો માટે થઈને વર્ષો પહેલા ધર્મશાળા બનાવવામાં આવી છે પરંતુ તેમાં રૂમની સંખ્યા ખૂબ જ ઓછી છે અને સગવડતા પણ પ્રમાણમાં ઓછી હોવાથી મોટાભાગે લોકો ધાર્મિક વિધિ કરવા માટે તેને સવારે આવે અને બપોર કે સાંજ સુધીમાં તેમની ધાર્મિક વિધિ કરીને ત્યાંથી નીકળી જતા હોય છે પરંતુ જો બીજા રાજ્યમાંથી કોઈ લોકો આવ્યા હોય તો ત્યાર જે હોટલો આવેલ છે તેની માહિતી ઉપર નજર કરીએ તો રફાળેશ્વર પાસે જ સરોવર પોર્ટિકો હોટલ (ફોર સ્ટર), ભવ્ય હોટલ, દરિયાલાલ રિસોર્ટ (થ્રી સ્ટાર) અને ઓક્ટ્રી હોટલ (થ્રી સ્ટાર) આવેલ છે જેમાં એક રૂમનું ભાડું 1200 થી લઈને 4,000 સુધીનો હોય છે.
દરેક લોકલ બસોને રફાળેશ્વરમાં આવેલ છે સ્ટોપ
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર રફાળેશ્વર ગામ આવેલું હોવાથી મોરબીથી વાંકાનેર તરફ આવતી અને જતી દરેક લોકલ બસોને ત્યાં સ્ટોપ આપવામાં આવેલ છે. જેથી કોઈ પણ જગ્યાએથી જો શ્રદ્ધાળુઓ મોરબી કે વાંકાનેર સુધી પહોંચે તો ત્યારબાદ તેઓ એસટીની બસ મારફતે પણ રફાળેશ્વર સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ખાનગી વાહન મારફતે પણ રફાળેશ્વર સુધી જઇ શકાય છે અને તેના માટેનું પ્રતિ વ્યક્તિનું ભાડું 30 રૂપિયા લેવામાં આવે છે. આવી જ રીતે વાંકાનેરથી શટલ રિક્ષા મારફતે રફાળેશ્વર સુધી પ્રતિ વ્યક્તિનું 30 રૂપિયા ભાડું આપીને આવી શકાય છે.
સ્થાનિક તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી
સમગ્ર ભારતમાં માતૃ તેમજ પિતૃતર્પણનું કાર્ય એકીસાથે અને એક જ જગ્યાએ થાય તેવું કોઈ ધાર્મિક સ્થળ હોય તો તે એક માત્ર રફાળેશ્વર મહાદેવ મંદિર છે તો પણ સ્થાનિક વહીવટી ત્રાંતર કે પછી ગુજરાત સરકાર દ્વારા જુદાજુદા રાજ્યોમાંથી ત્યાં પિતૃતર્પણના કાર્ય માટે આવતા લોકો માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી જો કે, શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટ્લે કે આમસના દિવસે અને શિવરાત્રિના દિવસે રફાળેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં મેળાનું આયોજન કરવામાં આવે છે તેના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામા આવે છે.