હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો
મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર
SHARE
મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર
મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે હેતુથી લેખ સીરિઝ શરૂ કરવામાં આવી છે. આજે આપણે આ લેખ સીરિઝમાં ઘન જીવામૃત અને જીવામૃતના ઉપયોગ અને બનાવવાની પદ્ધતિ વિશે જાણીશું. રાજ્ય સરકારના સતત માર્ગદર્શન અને પ્રયાસો થકી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક કૃષિલક્ષી કાર્યક્રમોના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરેલ જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સૂક્ષ્મજીવો, અળસિયાનું પ્રમાણ વધે છે. જે જીવંત આચ્છાદન, કાષ્ટ આચ્છાદાનનું વિઘટન કરીને ફળદ્રુપ જમીનનું નિર્માણ કરે છે. જે પાકનું ઉત્પાદન વધારે છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા પહેલા ખેડૂતોએ પોતાની જમીનમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરી દેવો પડશે, તો જ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ સફળ ગણાશે. દેશી ગાયના ગૌમુત્ર, ગોબરમાંથી ઘરે બેઠા જ તમે જીવામૃત બનાવી શકો છો. વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપીને વાવેતર કરવું જોઈએ. તેમજ ઉભા પાકમાં પિયતના પાણીની સાથે જીવામૃત આપવું જોઈએ. તો જ લાંબા ગાળે સારા પરિણામ મળે છે.
જીવામૃત બનાવવાની રીત
૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૧૦ કિગ્રા દેશી ગાયનું તાજું ખાતર + ૧ મુઠ્ઠી શેઢા/ પાળા/ વાડની માટી + ૧ કિગ્રા દેશી ગોળ + ૧ કિગ્રા ચણા કે કોઈપણ દાળનું મિશ્રણ તૈયાર કરીને ૧૮૦ લીટર પાણીના ડ્રમમાં નાખીને મીલાવવું જોઈએ. આ ડ્રમને કંતાનની થેલીથી ઢાંકીને છાંયડામાં રાખવું. લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર અને સાંજ ૨ વખત ૫-૫ મિનિટ સુધી હલાવવું જોઈએ. ઉનાળાની ઋતુમાં ૨ થી ૩ દિવસમાં અને શિયાળાની ઋતુમાં ૧ અઠવાડિયામાં જીવામૃત તૈયાર થઇ જશે. જીવામૃત તૈયાર થયા બાદ તેનો ૧૫ દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.
જીવામૃતના વપરાશની રીત
૧ એકર માટે ૨૦૦ લીટર જીવામૃતને ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું જોઈએ. તેમજ ઉભા પાક પર તેનો છંટકાવ કરી શકાય છે. આ ઉપરાંત ઘન જીવામૃતનો પણ ઉપયોગ કરી શકાય છે.
ઘન જીવામૃત બનાવવાની રીત
સખત તાપમાં સુકવેલા અને ચાળણીથી સાફ કરેલા ૨૦૦ કિગ્રા દેશી ગાયના ગોબરને ૨૦ લીટર જીવામૃત સાથે મેળવી દેવાનું છે. ત્યારબાદ ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરીને પાતળું લેયર પાથરીને સૂકવવાનું રહેશે. આ લેયરને દિવસમાં ૨- ૩ વાર ઉપર નીચે કરવું જોઈએ. આ મિશ્રણ સુકાય જાય ત્યારે ગાંગડાનો ભુક્કો કરીને ૬ માસ સુધી વાપરી શકાય છે.
ઘન જીવામૃતના વપરાશની રીત
જમીનમાં અંતિમ ખેડાણ પહેલા પ્રતિ એકર ૨૦૦ કિગ્રા અને પાક સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારે પ્રતિ એકર ૧૦૦ કિગ્રા આપવું જોઈએ.