મોરબીના ઉબડ ખાબડ રોડથી ત્રાહિમામ પોકારી ગયેલ વેપારીઓ-સ્થાનિક લોકોએ રેલ્વે સ્ટેશન રોડ ઉપર કર્યો ચક્કાજામ: તંત્રની કામગીરી સામે કર્યા ગંભીર આક્ષેપ
SHARE
મોરબીના ઉબડ ખાબડ રોડથી ત્રાહિમામ પોકારી ગયેલ વેપારીઓ-સ્થાનિક લોકોએ રેલ્વે સ્ટેશન રોડ ઉપર કર્યો ચક્કાજામ: તંત્રની કામગીરી સામે કર્યા ગંભીર આક્ષેપ
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર છેલ્લા ત્રણથીચાર મહિનાથી રોડ બનાવવા માટેની અને ગટરના પાણીનો નિકાલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે જો કે, કામ પૂરું થતું નથી જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી સ્થાનિક વેપારીઓ સહિતના લોકો દ્વારા મહાપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરવા માટે રેલ્વે સ્ટેશન રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેથી વાહનોના થપ્પા લાગી ગયા હતા. અને તંત્ર માત્ર સનાળા અને રવાપર રોડ જેવા વિસ્તારમાં જ કામ કરે છે તેવો લોકોએ તંત્ર ઉપર આક્ષેપ કર્યો હતો.
મોરબીમાં પ્રાથમિક સુવિધા માટે થઈને લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવે તે વાત હવે નવી રહી નથી કારણ કે, મોરબીના એક કે બે નહીં પરંતુ અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા માટે અગાઉ સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યા છે અને ત્યાર પછી તંત્ર દોડતો થયું હોય અને લોકોના પ્રશ્નોનો નિકાલ થયો હોય તેવું જોવા મળ્યું છે દરમિયાન મોરબીના સ્ટેશન રોડ ઉપર એક કે બે નહીં પરંતુ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી રોડ બનાવવાની અને ગટરના પાણીનો નિકાલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે.
જો કે, રેલ્વે સ્ટેશન રોડ અને અયોધ્યાપુરી મેઇન રોડથી રેલ્વે સ્ટેશન તરફ આવવા માટેનો જે રસ્તો છે ત્યાં જે કામગીરી ચાલી રહી છે તે ગોકળ ગતિએ કરવામાં આવી રહી છે જેથી કરીને રસ્તો ઉબડખાબડ હોવાના કારણે સ્થાનિક લોકોને વાહન લઈને જવું તો ઠીક ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે આજે સ્ટેશન રોડ ઉપરના વેપારીઓ તથા સ્થાનિક લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે છતાં પણ મહાપાલીકાના અધિકારીઓ તેમનો પ્રશ્ન ઉકેલતા નથી અને રાજકીય પક્ષના આગેવાનો તેમજ પદાધિકારીઓ ધ્યાન આપતા નથી જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે
ત્યારે સ્થાનિક વેપારીઓએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે “છેલ્લા ચાર મહિનાથી અહીંયા રસ્તા અને ઉભરાતી ગટર સહિતના પ્રશ્નો છે જો આવા પ્રશ્નો મોરબીના સનાળા રોડ કે રવાપર રોડ જેવા વિસ્તારમાં હોય તો ત્યાં શું ચલાવી લેવામાં આવશે?, શું માત્ર રવાપર રોડ અને સનાળા રોડ ઉપરના જ વેપારીઓ અને સ્થાનિક લોકો ટેક્સ ભરે છે ? સ્ટેશન રોડ અને માધાપર અને ને મહેન્દ્રપરા વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક લોકો ટેક્સ ભરતા નથી ? જો ટેક્સ ભરતા હોય તો તે લોકોને શા માટે થઈને પ્રાથમિક સુવિધા સારી રીતે મળતી નથી ? અને પ્રાથમિક સુવિધાઓ માટે થઈને આંદોલન કરવા પડે છે. આ સવાલનો જવાબ હવે તંત્ર ક્યારે અને કઈ રીતે આપે છે તે જોવું રહ્યું છે.









