શ્રદ્ધા વગર હોમ, હવન, દાન, કર્મ કરશો તો નિષ્ફળ જશે: મોરારીબાપુ
SHARE
શ્રદ્ધા વગર હોમ, હવન, દાન, કર્મ કરશો તો નિષ્ફળ જશે: મોરારીબાપુ
મોરબીમાં ચાલી રહેલી રામકથાના સાતમા દિવસે કથા પ્રારંભે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ, મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા અને અન્ય ધારાસભ્યોએ વ્યાસવંદના કરી હતી ત્યાર બાદ સી.આર.પાટીલે પોતાનો શબ્દભાવ વ્યક્ત કર્યો હતો ત્યારે બાદ બાપુએ જણાવ્યું કે ક્રાંતિકારી, ભ્રાંતિહારી, શાંતિકારી કબીર ચેતનાને પ્રણામ કરું. અહીં કથાના મનોરથી મોહનભાઈને લીધે રોજ રોજ વડીલો આવે છે, કથાને કારણે કોણ કોણ આવે છે એ ખબર નહીં પણ આવે છે ખરા.
તલગાજરડી દ્રષ્ટિએ આપણી જીવનયાત્રાના ચાર ભાગ છે: બાળપણ-એ ભાગમાં સંસ્કાર અપાઇ જવા જોઈએ. નાંદીમુખ,નામકરણ,યજ્ઞોપવિત ભલે કદાચ ન થાય પણ નામકરણ વ્યવસ્થિત થાય છે.એ પછી પચીસ વર્ષથી યુવાની શરૂ થાય ત્યારે સંસાર કરવાની છૂટ અપાવી જોઈએ. પ્રજા તંતુ આગળ વધારો એવો ઉપનિષદ આદેશ આપે છે.તૈતરીય ઉપનિષદમાં દિક્ષાંત સમારોહમાં આવા પાઠ થતા. ત્રીજો ભાગ સંધાન છે.જેને વાનપ્રસ્થ કહીએ છીએ.સંધાન એટલે બ્રહ્મનું સંધાન,જ્ઞાનનું સંધાન-અનુસંધાન.ઋષિઓએ વાનપ્રસ્થમાં ખોજો કરી છે. વૈજ્ઞાનિકોએ પણ મોટાભાગે આ અવસ્થામાં શોધ કરી છે કારણ કે ભવનમાં બેસીને અનુસંધાન નહીં થાય. વનમાં પાંદડાઓ જોઈ અને પીપ્લાદ મુનિએ સંશોધન કર્યું નોબેલ પારિતોષ પણ મોટા ભાગે આ જ ઉંમરમાં સંશોધનોથી મળ્યા છે.ચોથો પડાવ એ સન્યાસ માટે છે.અત્યારે કળિયુગમાં સંન્યાસ લઈને નીકળી ન શકીએ પણ પ્રેક્ટીકલ રહેવું.એટલે આપણે ભાગી જવું નથી આટલા બધા મહાપુરુષોએ સંન્યાસ લીધો છે જે આપણું કલ્યાણ કરશે.એક માણસ એના પરિવારને જાગૃત કરી દે તો એ સન્યાસ છે.
વેશમાં નહીં વૃત્તિમાં સંન્યાસ આવવો જોઈએ. આ ચાર પડાવમાં આપણે ગતિ કરવાની છે. ભાણદેવજીએ સરસ મજાના પુસ્તકો અને ગ્રંથો લખ્યા છે અનેક ગ્રંથો આપણને આપ્યા છે.જ્યાં શ્રદ્ધાસૂક્તમાં સાધકની સપનાની સરસ મજાની વાત કરી છે. શ્રદ્ધા સૂક્તના એક મંત્રનું સમૂહ ગાન કરાવ્યું લોકમાંથી શ્લોક સુધી થોડીવાર કથાને લઈ ગયા ઋચાગાનથી શ્રદ્ધાનો મહિમા ગવાયો છે. ગીતાજી કહે છે કે શ્રદ્ધા વગર હોમ હવન દાન કર્મ કરશો તો નિષ્ફળ જશો. શ્રદ્ધા જ અગ્નિ છે.જે શ્રદ્ધાથી પ્રાતઃકાળે મધ્યાહ્નમાં કે સંધ્યાએ કામ કરીએ છીએ એ શ્રદ્ધા વગર ધર્મ જ ના હોય એમ રામચરિત માનસ કહે છે. પૃથ્વી ન હોય તો જગતમાં ગંધ ના હોય.
બાપુએ તે જૂની યાદને વાગોળતા કહ્યું કે ભાણદેવજીના ગુરુ-ગોંડલના નાથાલાલ ભાઈને ત્યાં એક વખત અમરદાસ બાપુ ખારાવાલા સાથે માત્ર દર્શન કરવા માટે ગયા હતા.કંઈ પૂછવું ન હતું પણ અમરદાસબાપુએ પ્રશ્ન પૂછ્યો કે આપે આ બધું જ પામ્યું છે એનું રહસ્ય શું છે? ત્યારે નાથાલાલ ભાઈ જોશી બોલ્યા કે રામનામથી આ બધું પામ્યો છું. ફરી વખત જ્યારે હું એકલો મળવા ગયો ત્યારે નાથભાઈએ કહ્યું કે આ બધું સાર્વજનિક ન કરતા, પ્રસિદ્ધિથી દૂર રહેનાર એ મહાપુરુષ પણ આજે હું તમને આ સ્હેજ વાત કરી રહ્યો છું. સારામાં સારો સથવારો સાધુનો સંગ.ભલે એ બલવંત,છલવંત, કલવંત નથી પણ સો એ સો ટકા શીલવંત હોવો જરૂરી છે.આદિ શંકરાચાર્યજીએ ત્રણ વસ્તુને દુર્લભ કહી છે:મનુષ્ય શરીર,મોક્ષની ઈચ્છા-મુમુક્ષત્વ અને મહાપુરુષનો સંગ આ દુર્લભ છે. કથાપ્રવાહમાં ભગવાન શિવના વિવાહ પછી શિવજી જ્યારે સહજ રીતે આસન ધારણ કરીને બેઠા છે અને સતી રામજન્મના હેતુઓ, રામ જન્મના કારણો પૂછે છે. એ હેતુ અને કારણોની સંક્ષિપ્ત અને સંવાદી કથાઓનું ગાન કરી અને મોરબીની કથાભૂમિ ઉપર રામજન્મની વધાઈ સાથે સમગ્ર જગતને રામ જન્મની વધાઈ આપવામાં આવી.