મોરબી મચ્છુ ડેમમાં આવેલ જોગ ડુંગરી આશ્રમે દર્શને ગયેલ રબારી પરિવારનો યુવાન ડૂબ્યો : મોત
SHARE
મોરબી મચ્છુ ડેમમાં આવેલ જોગ ડુંગરી આશ્રમે દર્શને ગયેલ રબારી પરિવારનો યુવાન ડૂબ્યો : મોત
સમગ્ર મોરબી પંથક જ નહીં સમગ્ર ગુજરાત ઉપર જાણે કાળનું ચક્ર ફરતું હોય તેમ એક પછી એક ગોજારા બનાવો સામે આવી રહ્યા છે.થોડા દિવસો પહેલા મોરબીમાં સાદુળકા ગામે ત્રણ સગીરોના ડૂબી જવાથી મોત થયા હતા તે રીતે જ મોરબી જીલ્લાના માળીયા(મિં.) તાલુકાના વર્ષામેડી ગામે ખાડીના પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નિપજયા હતા, તેમજ ભાવનગરમાં બનેલ ગોજારી ઘટનામાં પણ ત્રણ બાળકીઓના ડૂબી જવાથી મોત થયા હતા અને ત્યારબાદ તાજેતરમાં રાજકોટ ખાતે ગેમઝોન કાંડમાં ૨૮ જેટલા લોકો તંત્રની લાપરવાહીનો ભોગ બનીને જીવતા આગમાં હોમાઇ ગયા હતા.આમ એક પછી એક જે ગોજારા બનાવો સામે આવી રહે છે.તે બનાવોમાં એક વધુ બનાવનો ઉમેરો થયો છે.જેમાં મળતી માહિતી પ્રમાણે મોરબી નજીક આવેલ જોધપર ગામે મચ્છુ-૨ ડેમમાં જોગ ડુંગરી આશ્રમ આવેલો છે અને ત્યાં દર્શને ગયેલા રબારી પરિવારનો યુવાન આશ્રમ પાસે આવેલા પાણીમાં હાથ-પગ ધોવા ગયો હતો અને ત્યાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નિપજેલ છે.
મોરબી ફાયર વિભાગ તેમજ તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી ફાયર વિભાગના કંટ્રોલરૂમમાં બપોરના એકાદ વાગ્યે ફોન કોલ આવ્યો હતો કે મચ્છુ-૨ ડેમ ખાતે એક યુવાન પાણીમાં ગરકાવ થયો છે.જેથી તાત્કાલિક મોરબી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ટીમ રવાના કરવામાં આવી હતી અને સાથે ત્યાંના સ્થાનિક તરવૈયાઓ પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા અને બે કલાકની જહેમત બાદ રબારી યુવાનનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.તે મૃતકનું નામ દેવરાજભાઈ ઉર્ફે દેવો નરેન્દ્રભાઈ અજાણા જાતે રબારી (ઉંમર ૧૬) મૂળ રહે.વીસીપરા મોરબી હાલ રહે.નવા મકનસર તા.જી. મોરબી હોવાનું સામે આવ્યું છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ડેડબોડી આવતા ત્યાંથી હોસ્પિટલના તબીબ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, દેવરાજભાઇ ઉર્ફે દેવો નરેન્દ્રભાઈ અજાણા નામનો ૧૬ વર્ષનો યુવાનનું મોરબીના જોધપર ગામે આવેલ મચ્છુ-૨ ડેમ પાસેના જોગ ડુંગરી આશ્રમ નજીક ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજેલ છે.આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૃતક દેવરાજભાઈ અજાણાના પિતાનું અગાઉ અવસાન થયેલું છે.અગાઉ તેઓ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા હતા અને તેમના પિતાના અવસાન બાદ તેઓ તેમની બહેન અને માતા તેમના મામા નવા મકનસર ગામે રહેતા હોય ત્યાં મામાની નજીક મકનસર ગામે રહેવા ગયા હતા.આજે બપોરના બારેક વાગ્યાના અરસામાં મૃતક દેવરાજભાઈ તેમના મમ્મી તથા અન્ય ત્રણ-ચાર મહિલાઓ અને બાળકો જોધપર ગામ પાસે મચ્છુ ડેમ નજીક આવેલ જોગડુંગરી આશ્રમે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાં ડેમ ખાલી થયો હોવાથી જગ્યા કોરી હતી.પરંતુ બાજુમાં અન્યત્ર જગ્યાએ પાણી ભરેલું હોય ત્યાં મૃતક દેવરાજ અજાણા નામનો રબારી યુવાન હાથ-પગ ધોવા માટે ગયો હતો અને લપસીને પાણીમાં પડી ગયો હતો.જોકે તેને તરતા આવડતું ન હોય તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આ વાતની મોરબી ફાયર વિભાગને જાણ કરાતા બે કલાકની જહેમત બાદ તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.હાલ ઉપરોક્ત બનાવના પગલે રબારી પરિવાર ઉપર આભ ફાટયું હોય તેવો માહોલ છે કેમકે અગાઉ પરિવારના મોભી બાદ હાલ પરિવારના યુવાનનું પણ મોત નિપજતા નાના એવા નવા મકનસર ગામમાં શોક વ્યાપી ગયો છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામે રહેતા મુકેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી નામના ૩૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.આ બાબતે મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલા જુના સ્મશાન પાસેથી તે જતો હતો ત્યારે કારની હડફેટે ચડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને ખાનગી હોસ્પિટલએ લઈ જવાયો હતો.હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આ બનાવની તપાસ ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઈજા થતાં બે સારવારમાં
મોરબીના શનાળા ગામ પાસે આવેલ ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજની સામેના ભાગે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ટંકારાના રહેવાસી રીનાબેન વિનોદભાઈ કડેવાર (ઉંમર ૪૦) તેમજ પ્રેમ વિનોદભાઈ કડેવાર (ઉમર ૨૦) ને ઇજાઓ થઈ હતી જેથી બંનેને અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરીને પ્રાથમિક તપાસ કરી હતી.