મોરબી કૈલા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્રારા સ્નેહ મિલન, રમતોત્સવ અને તેજસ્વીતા સન્માનનું આયોજન
મોરબીની 4 લાખની વસ્તી સામે પાલિકામાં ટોપથી બોટમ સુધી માત્ર 97 કાયમી કર્મચારી: સ્ટાફના અભાવે વિકાસ કામ-પ્રાથમિક સુવિધાઓ ટલ્લે !
SHARE
મોરબીની 4 લાખની વસ્તી સામે પાલિકામાં ટોપથી બોટમ સુધી માત્ર 97 કાયમી કર્મચારી: સ્ટાફના અભાવે વિકાસ કામ-પ્રાથમિક સુવિધાઓ ટલ્લે !
મોરબી નગરપાલિકા વિસ્તારના લોકો દર વર્ષે સારી પ્રાથમિક સુવિધા મળે તેના માટે થઈને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ પાલિકાની તિજોરીમાં જમા કરાવે છે અને સરકાર તરફથી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે કરોડો રૂપિયાની વિવિધ કામ માટેની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે પરંતુ તેના અમલીકરણ માટે થઈને નગરપાલિકાની અંદર જે મેઈન પાવરની જરૂરિયાત છે તેના ઉપર ક્યારેય કોઈ ધ્યાન કેન્દ્રિત કરતું નથી ! જેથી કરીને આજે અંદાજે મોરબી નગરપાલિકા વિસ્તારમાં 84 હજાર જેટલી મિલકતો છે અને ચાર લાખથી વધુની વસ્તી છે તેને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે ટોપથી બોટમ એટલે કે ચીફ ઓફિસરથી લઈને સફાઈ કામદાર સુધી માત્ર 97 કાયમી કર્મચારી છે તે સિવાય હંગામી અને રોજમદાર કર્મચારીઓને કામે રાખીને શહેરી વિસ્તારમાં કામગીરીનું ગાડું ગબડાવવામાં આવે છે. એટ્લે કે ખાટલે મોટી ખોટ સ્ટાફની હોવાના કારણે લોકોને સારી સુવિધા નથી મળતી તે નગ્ન સત્ય છે.
રાજ્યની એ ગ્રેડની નગરપાલિકાઓમાં મોરબી નગરપાલિકાનો સમાવેશ થાય છે પરંતુ મોરબી નગરપાલિકા મોરબીના લોકોને ડી ગ્રેડની સુવિધાઓ પણ આપી શક્તિ નથી તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી કારણ કે આજની તારીખે મોરબી પાલિકા વિસ્તારમાં એક પણ સારો બાગ બગીચો નથી. એકપણ ફરવા લાયક સ્થળ નથી અને રોડ રસ્તાની હાલત પણ દયાની હોય છે. જ્યારે જ્યારે લોકોનો વિરોધ થાય અથવા તો આંદોલનો થાય ત્યાર પછી રોડ રસ્તાના કામ હાથ ઉપર લેવામાં આવતા હોય છે અને સામાન્ય રીતે ચોમાસું આવે એટલે તે રોડ તૂટી ગયેલા જોવા મળતા હોય છે કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કામગીરી કરવામાં આવતી હોય છે અને તેના ઉપર કોઈ પણ પ્રકારની દેખરેખ ન હોવાના કારણે લોટ, પાણીને લાકડા જેવા કામ મોરબીમાં થતા હોય છે તે નરી વાસ્તવિકતા છે. સામાન્ય રીતે મોરબી પાલિકામાં ચીફ ઓફિસરથી લઈને તમામ વિભાગોની અંદર ઇજનેરો સહિતનો સ્ટાફ તથા સફાઈ કામદારની સંખ્યા હોવી જોઈએ તેના પ્રમાણમાં નજીકની કહી શકાય તેવી સંખ્યાથી મોરબી પાલિકાનું ગાડું કામગીરીમાં ગબડાવવામાં આવી રહ્યું છે !
મોરબી નગરપાલિકાના સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે વર્ષ 1990-91 માં મોરબી પાલિકામાં કુલ મળીને ચીફ ઓફિસરથી લઈને સફાઈ કામદાર સુધી 504 કર્મચારીઓ હતા પરંતુ તે સમયે સરકારમાંથી 20 ટકાનો કાપ આવ્યો હતો જેથી કરીને જે તે સમયે 407 કર્મચારી હતા જોકે ત્યારબાદ પાલિકાની હદમાં સમયાંતરે બે વખત વધારો કરવામાં આવ્યો જેમાં 1996-97 ની આસપાસમાં વજેપર અને માધાપર વિસ્તાર તેમજ વર્ષ 2014 માં સુમતિનાથ સોસાયટી સહિતના વાવડી રોડ ઉપરના સોસાયટી વિસ્તારોનો મોરબી પાલિકાનો સમાવેશ થયેલ છે જોકે હદનો વિસ્તાર વધ્યો હોવા છતાં પણ પાલિકાના સ્ટાફમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો જેથી કરીને આજની તારીખે ક્રમશઃ નિવૃત્ત થવાના કારણે અથવા તો અવસાન થવાના કારણે પાલિકામાંથી કાયમી કર્મચારીઓની સંખ્યા દિવસે અને દિવસે ઘટી રહી છે જેથી વર્ષ 1990-91 માં જે પાલિકાના કર્મચારીઓની સંખ્યા 407 હતી તે આજની તારીખે ઘટીને ચીફ ઓફિસરથી લઈને સફાઈ કામદાર સુધી માત્ર 97 કર્મચારીઓની થઈ ગયેલ છે?
વધુમાં મળતી વિગત પ્રમાણે વર્ષ 1990-91 માં મોરબી પાલિકાની હદમાં લોકોની વસ્તી અંદાજે 90,500 જેટલી હતી અને ત્યારે રોડ રસ્તા જેમાં મુખ્ય રસ્તા, શેરી ગલી અને સોસાયટીના રસ્તાનો સમાવેશ થાય છે તે વિસ્તાર સાડા દસ કિલોમીટર જેટલો હતો જો કે, 10 વર્ષ પછી એટલે કે વર્ષ 2001 માં મોરબી પાલિકાની વસ્તી 1,45,000 થી વધુ હતી અને ત્યારે પાલિકાના રોડ રસ્તાનો કુલ વિસ્તાર 24 કિલો મીટરથી વધારે હતો. ત્યાર પછી વર્ષ 2011માં ની અંદાજે વસ્તી 1,94,000 થી વધુ ની હતી ત્યારે રોડ રસ્તાનો વિસ્તાર 24 કિલો મીટરથી વધારે હતો જો કે, આજની તારીખે વર્ષ 2024 માં અંદાજે વસ્તી 4,00,000 થી વધુની છે અને 84 હજાર કરતાં વધુ મિલકતો સરકારી ચોપડે નોંધાઈ છે ત્યારે મોરબી નગરપાલિકામાં આવતાં રોડ રસ્તાનો કુલ વિસ્તાર 46 કિલો મીટર કરતા વધુ છે.
મોરબીના 46 કિલો મીટરના રોડ રસ્તા પથરાયેલ છે તે વિસ્તારમાં સફાઈ, પાણી, રોડ રસ્તા, લાઈટ, બાગ બગીચા સહિતની સુવિધાઓ આપવા માટે ચીફ ઓફિસરથી લઈને સફાઈ કામદાર સુધીમાં માત્ર 97 કાયમી કર્મચારી છે અને છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકામાં કોઈ સ્ટાફની ભરતી કરવામાં આવી નથી માત્ર અને માત્ર રોજમદાર અને હંગામી કર્મચારીઓને કામે રાખીને રૂટીન કામ કરવામાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે જો પાલિકામાં સ્ટાફના ઘટની વાત કરીએ તો રોશની અને વોટર વર્કસ સહિતના વિભાગોમાં કાયમી ઇજનેર હોવા જોઇએ જે નથી. તે ઉપરાંત પાલિકામાં હેડ ક્લાર્ક, ટેક્સ ઇન્સ્પેક્ટર, હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટર, ઇન્ટર્નલ ઓડિટર, સ્ટોર ક્લાર્ક રેકોર્ડ ક્લાર્ક વગેરે જેવી મહત્વની 17 જગ્યાઓ ખાલી છે પરંતુ તે જગ્યાઓ ભરાઇ તેના માટેની કામગીરી કરવામાં આવતી નથી.
મોરબીનો ખૂબ વિકાસ થયો છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ જો સ્ટાફ જ ન હોય તો કામ ક્યાંથી થાય અને સ્ટાફ ન હોવાના કારણે લોકોને વારંવાર ઉભરાતી ગટર, કચરાના ઢગલા, સ્ટ્રીટ લાઇટો, ગંદા પાણી, રોડ રસ્તાની સફાઈ, દબાણો વગેરે જેવી બાબતોને લઈને રજૂઆતો કરે અને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ લોકોના પ્રશ્નો ઉકેલતા નથી ત્યારબાદ આંદોલનો કરવા પડે છે આવી પરિસ્થિતિ મોરબી નગરપાલિકા વિસ્તારની છે ત્યારે મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે જે રીતે તમે સરકારમાંથી ગ્રાન્ટ લાવો છો તેવી જ રીતે ખાટલે મોટી ખોટ સ્ટાફની છે તેના માટે પણ નક્કર આયોજન કરીને વહેલી તકે પાલિકામાં સ્ટાફની ભરતી કરવામાં આવે તે અનિવાર્ય છે.
મોરબીના લોકો પાલિકાની તિજોરીમાં ટેક્સ રૂપે કરોડ રૂપિયા આપે છે તેનો સદુપયોગ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે પહેલા તો નગરપાલિકામાં સરકારમાંથી વર્ષો પહેલા મંજૂર થયેલા સેટ અપ મુજબનો સ્ટાફની ભરતી થાય તેવી વ્યવસ્થા કરો અને વર્ષો પહેલા જે સ્ટાફ મંજુર થયો હતો તેમાં આજની તારીખે જે મોરબીની વસ્તી અને વિસ્તારનો વધારો થયો છે તેને ધ્યાને લઈને નવું સેટઅપ સરકારમાંથી મંજૂર કરાવીને તે મુજબનો સ્ટાફ જો મોરબી નગરપાલિકામાં મૂકવામાં આવે અને તે સ્ટાફ કામ કરતો હોય તો જ લોકોને સારી સુવિધા મળી શકે તેમ છે નહીં તો લોકોને ક્યારેય પણ આ નગરપાલિકાનો સ્ટાફ સારી સુવિધા આપી શકે તેમ હાલમાં દેખાતું નથી.