મોરબી: 21 વર્ષના યુવાનને સાપે દંશ દેતા 108 ની ટીમે જીવ બચાવ્યો
મોરબીમાં ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં ૪૦૦ દર્દીઓએ લીધો લાભ
SHARE







મોરબીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના મોટા પુત્ર ડૉ. પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની યુવાન વયે કાર અકસ્માતમાં નિધન થતાં છેલ્લા ૧૭ વર્ષથી તેમની સ્મૃતિમાં મોરબીમાં જુદા- જુદા સ્થળોએ ગરીબ દર્દીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજીને દર્દીઓને નારાયણ સમજીને સેવા કાર્ય થતું રહે છે આવો જ એક મેડિકલ નિદાન કેમ્પ કંડલા બાયપાસ રોડ પર આવેલ ક્રિષ્ના હોલમાં યોજાયેલ હતો જેમાં નકલંક મંદિરના મહંત દામજી ભગતે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો.
આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડૉક્ટરો એવા ડૉ. ભાવિન ગામી, ડૉ. અક્ષય જાકાસણીયા, ડૉ. યોગેશ પેથાપરા, ડૉ. કિશન બોપલિયા, ડૉ. કલ્પેશ રંગપરિયા, ડૉ. નિસર્ગ પડસુંબિયા, ડૉ. પુલકિત પ્રકાશભાઈ એ સેવા આપી હતી. જેનો સાચા અર્થમાં જરૂરિયાતમંદ એવા ૪૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
જોગાનુજોગ બ્રિજેશ મેરજાના માતૃ વજીબેન તેમજ પૌત્ર પ્રશાંત બંનેના દેહ અવસાન હનુમાન જયંતિના દિવસે થયેલા એટલે હનુમાન જયંતીની તિથીએ આ સેવા કાર્ય મેરજા પરિવાર દ્વારા પ્રતિવર્ષ યોજાતું હોય છે. આ મેડિકલ કેમ્પમાં દર્દીઓના રોગનું નિદાન, સારવાર અને વિનામુલ્યે દવાઓ પણ આપવામાં આવતી હોય છે એટલું જ નહીં પરંતુ દર્દીઓને જરૂર પડયે ફોલો અપ કરી વધુ સારવારમાં આર્થિક સેવાકાર્ય પણ મેરજા પરિવાર દ્વારા કરાતું હોય છે. ડૉ. પ્રશાંત દ્વારા એવો વિચાર વ્યક્ત થયેલો કે જ્યારે હું ક્લિનિક ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરીશ ત્યારે ગરીબ દર્દીઓની મફત સારવાર કરીશ. તેમના આ વિચારને અમર બનાવી છેલ્લા ૧૭ વર્ષથી લાગ લગાટ ગરીબ દર્દીઓ માટે આવી સેવા ઉપલબ્ધ કરાતી હોય છે.
આ મેડિકલ કેમ્પમાં મોરબીના વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. ડૉ. પ્રશાંતની સ્મૃતિમાં શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ શ્રી મણિલાલ સરડવાએ ૪૯ મી વખત રક્તદાન કર્યું હતું. આમ, આ સેવા કાર્યમાં મોરબીમાં સુજ્ઞ નાગરિકો પણ જોડાઈને આ કાર્યને દીપાવે છે. આ તકે ઉપસ્થિત ડૉકટરઓ, નામાંકીત અગ્રણીઓ, તેમજ કેમ્પને સફળ બનાવવા ખળે પગે સેવા આપી રહેલ સૌ સાથીદારોનો બ્રિજેશ મેરજાએ ખાસ આભાર વ્યકત કર્યો છે.

