માળિયા (મિં.) ના નવા હજીયાસર પાસે મચ્છુ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પહેલાં આડબંધ બાંધવા માંગ
SHARE
માળિયા (મિં.) ના નવા હજીયાસર પાસે મચ્છુ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પહેલાં આડબંધ બાંધવા માંગ
મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના મંત્રી ઇકબાલભાઇ સુભાનભાઇ સંઘવાણીએ રાજયના જળ સંપત્તિ વિભાગના સચિવને પત્ર લખીને માળિયા (મિં.) ના નવા હજીયાસર પાસે મચ્છુ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પહેલાં આડબંધ બાંધવા માંગ કરેલ છે.વધુમાં જણાવાયા મુજબ માળિયા (મિંયાણા) તાલુકાના ખેડૂતોના ગંભીર જળ સંકટ અને કૃષિ ક્ષેત્રના વિકાસને રોકતા આ મુખ્ય મુદ્દા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સચિવનું ધ્યાન દોરવામાં આવેલ છે.મચ્છુ નદી ઉપર માળિયા (મિં.) તાલુકાના નવા હજીયાસર ગામ પાસે જ્યાં નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ (ડેલ્ટા) શરૂ થાય છે તે પહેલાં જ એક આડબંધ (ચેકડેમ) અથવા બેરેજ બાંધવો અત્યંત આવશ્યક છે.હાલમાં આ વિસ્તારના ખેડૂતો માત્ર ચોમાસું પાક જ લઈ શકે છે.
તેનું મુખ્ય કારણએ છેકે દરિયાઈ ખારાશનો વ્યાપ વધે છે.ભરતીના સમયે અરબી સમુદ્રનું ખારું પાણી મચ્છુ નદીના પટમાં ઊંડે સુધી પ્રવેશી જાય છે.આ ખારું પાણી નદીમાં રહેલા મીઠા પાણી સાથે ભળીને તેને બિનઉપયોગી બનાવી દે છે.મીઠા પાણીનો વ્યય થાય છે.મચ્છુ-૧, મચ્છુ-૨ અને મચ્છુ-૩ જેવા ડેમ્સમાંથી જ્યારે પણ સિંચાઈ અથવા અન્ય હેતુઓ માટે પાણી છોડવામાં આવે છે.ત્યારે આ મીઠું પાણી કોઈપણ ઉપયોગ વગર સીધું જ કચ્છના નાના રણમાં વહી જાય છે.ભૂગર્ભ જળની ખારાશ વધી રહી છે.નદીના પાણીમાં સતત દરિયાઈ ખારાશ ભળવાને કારણે આજુબાજુના ગામોના ભૂગર્ભ જળ પણ ખારા થઈ રહ્યા છે.જેના પરિણામે સિંચાઈ માટેના બોર કે કૂવા પણ નકામા બની રહ્યા છે.
નવા હજીયાસર પાસે આડબંધ બાંધવાથી લાંબા ગાળાના કયા લાભો થશે ?
મીઠા પાણીનું સંરક્ષણ થશે.આ બંધ દરિયાઈ ખારા પાણીને નદીના મીઠા પાણીમાં ભળતું અટકાવશે.જેનાથી નદીનું પાણી બારે માસ સિંચાઈ માટે સુરક્ષિતબની રહેશે.તેમજ કૃષિ ઉત્પાદનમાં વધારો થશે બંધ બાંધ્યા બાદ એકઠું થયેલું પાણી ખેડૂતોને રવિ અને ઉનાળુ પાક લેવા માટે ઉપલબ્ધ થશે. હાલ જે ખેડૂતો માત્ર એક પાક લે છે તેઓ બે થી ત્રણ પાક લઈ શકશે.જેનાથી તેમની આવક અને પ્રદેશની કૃષિ ઉત્પાદકતામાં ક્રાંતિકારી વધારો થશે.અને ભૂગર્ભ જળ રિચાર્જ થશે.નદીના પટમાં મીઠા પાણીનું સ્તર જળવાઈ રહેવાથી આજુબાજુના વિસ્તારોમાં ભૂગર્ભજળનું પુનઃભરણ થશે અને ખારાશ અટકશે.આ પ્રોજેક્ટથી માળિયા મિંયાણા તાલુકાના હરીપર, નવા હજીયાસર, જુના હજીયાસર, કાજરડા, માળિયા અને આજુબાજુના વિસ્તારના હજારો ખેડૂત પરિવારોને સીધો અને કાયમી ફાયદો થશે.જે આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે અત્યંત જરૂરી છે.ખેડૂતોના જીવન અને જીવિકા સાથે સંકળાયેલા આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે સર્વોચ્ચ અગ્રતા આપીને તેના સર્વેક્ષણ, ડિઝાઈન અને બાંધકામ માટેના જરૂરી આદેશો વહેલી તકે બહાર પાડવામાં આવે તેમજ તે અંગે યોગ્ય બજેટની ફાળવણી કરીને જનતાના હિતમાં ઝડપી નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.









