મોરબીમાં છાતીમાં દુખાવા બાદ ઉલ્ટી થતા બેભાન હાલતમાં યુવાનનું મોત
SHARE
મોરબીમાં છાતીમાં દુખાવા બાદ ઉલ્ટી થતા બેભાન હાલતમાં યુવાનનું મોત
મોરબીમાં થોડા દિવસ પહેલા બનાવ બન્યો હતો.જેમાં કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા યુવાનને મોડીરાત્રીના જમીને સુતા બાદ છાતીમાં દુખાવો ઉપાડ્યો પડ્યો હતો અને બાદમાં ઉલટી થયા બાદ તેને દવાખાને લઈ જવાતા ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા મેટ્રોવર્લ્ડ સીરામીક નામના યુનિટના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિજયસિંહ હુકમસિંહ સોલંકી (ઉમર ૩૩) નામનો યુવાન તા.૩૦-૯ ના રાત્રિના જમીને સૂતો હતો.ત્યારબાદ તેને રાત્રી દરમિયાન છાતીમાં દુખાવો પડ્યો હતો અને બાદમાં ઉલટી થઈ હતી.જેથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં તા.૧-૧૦ ના રાત્રિના અઢી વાગ્યાના અરસામાં વિજયસિંહ સોલંકી નામના યુવાનનું હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાંથી યાદી આવતા હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર આગળની તપાસ ચલાવી રહ્યા છે.
ખાણ ખનીજ સંદર્ભે કાર્યવાહી
મોરબીના મામલતદાર નિખિલ મહેતા તથા સ્ટાફ દ્વારા થોડા દિવસો પહેલા બે જગ્યાએ વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાં રવિરાજ ચોકડી પાસેથી અને ત્રાજપર ચોકડી પાસેથી નીકળેલ બે વાહનો કે જેમાં ખનીજ ચોરી થતી હોવાનું સામે આવતા ટ્રક નંબર જીજે ૩૭ ટી ૭૭૩૬ ડ્રાઇવર પારસ પુંજા ડાંગરના કબજામાંથી ખનીજ અને વાહન મળી ૪૫ લાખનો મુદ્દામાલ તેમજ ટ્રક નંબર જીજે ૧૩ કેએચ ૮૨૮૮ ડ્રાઈવર રાજુભાઈ ભાંભર રહે.દલડી થાનગઢ ના કબજામાંથી ટ્રક તથા ખનીજ મળી ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને દંડ વસૂલવાની કાર્યવાહી માટે તાલુકા પોલીસ હવાલે કરાયા હતા.જ્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા બ્લેક ટ્રેપ ખનીજ ભરેલ ટ્રક નંબર જીજે ૧૨ બીટી ૯૦૩૨ ના ચાલક રાણા અરજણભાઈ રબારીને અટકાવીને તેના વાહનમાં ભરેલ ખનીજ બાબતે પૂછતા સામે આવ્યું હતું કે તેની પાસે આધાર પુરાવા ન હોય દંડ વસૂલવા વાહન તાલુકા પોલીસ હવાલે કરાયું હતું.
મારામારીમાં ઇજા
મોરબીના રફાળેશ્વર પાસે આવેલ વરૂડી માતા મંદિર પાસે રહેતા સાગર રમેશભાઈ કાનાણી નામના ૨૮ વર્ષના યુવાનને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે અત્રેની સીવીલએ લાવવામાં આવ્યો હતો.જ્યારે મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ મોરબીમાં રહીને મજૂરી કામ કરતો આલોકનાથ બૈજનાથ મૌર્ય (ઉમર ૨૨) નામનો યુવાન બાયકમાં બેસીને પીપળી રોડ ઉપરથી જતો હતો ત્યાં પેટ્રોલ પંપ સામે બાઈમાંથી નીચે પડી જતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવાયો હતો બનાવ અંગે સ્ટાફના વિજયભાઈ ડાંગરે તપાસ કરી હતી.