મોરબી પાલિકાના ફાયર વિભાગનો પન્નો ટૂંકો પડ્યો: બેલા નજીક પેપર મીલમાં લાગેલ આગમાં સાડા ત્રણ કરોડથી વધુનું નુકસાન
SHARE









મોરબી પાલિકાના ફાયર વિભાગનો પન્નો ટૂંકો પડ્યો: બેલા નજીક પેપર મીલમાં લાગેલ આગમાં સાડા ત્રણ કરોડથી વધુનું નુકસાન
મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ એલિક્સ પેપર મીલમાં ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં કારખાનાના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં આગ પ્રસરી ગઈ હતી જેથી કરીને મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે, આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી મોરબી ઉપરાંત રાજકોટ, ધાંગધ્રા અને હળવદ વગેરે સેન્ટરોમાંથી ફાયર ફાઈટિંગ માટે થઈને ફાયરના વાહનો તથા સ્ટાફને બોલાવવામાં આવેલ હતો જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કારખાનેદારને અંદાજે ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની માહિતી હાલમાં કારખાનેદાર પાસેથી જાણવા મળી રહી છે
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર સીરામીક ઉદ્યોગ, પેપર મીલ સહિત હજારોની સંખ્યામાં નાના મોટા કારખાના આવેલા છે અને ત્યાં આગ અકસ્માત સહિતની જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે કારખાનેદારોને લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી કારણ કે, મોરબીમાં છેલ્લા સાતેક વર્ષથી અધ્યતન ફાયર સ્ટેશનની માંગ કરવામાં આવી છે તેમ છતાં પણ આજની તારીખે સરકાર દ્વારા મોરબીને અધ્યતન તો ઠીક અધ્યતન ફાયરના સાધનો પણ આપેલા નથી. જેથી કરીને ગમે ત્યારે આગ અકસ્માતની ઘટના બને ત્યારે મોરબી વિસ્તારમાં તેને કંટ્રોલ કરવા માટે થઈને રાજકોટ, ધાંગધ્રા, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ વગેરે જિલ્લામાંથી ફાયરના સાધનો અને માણસોને મોરબી બોલાવવા પડે ત્યારબાદ આગ કાબુમાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આવી જે ઘટના મોરબી તાલુકાના બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેપર મિલમાં ગઈકાલે બપોરે બની હતી જેમાં આગ લાગવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે
વધુમાં મળતી માહિતી મુજબ ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ એલિક્સ પેપરમીલ નામના કારખાનામાં બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને તેની તાત્કાલિક જાણ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગના વાહનો આગને કાબુમાં લેવા માટે થઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી કારખાનાના મેદાનમાં પડેલ અંદાજે ૧૭૦૦ ટન કરતાં વધુ વેસ્ટ પેપરનો જથ્થો આ આગ લાગવાના કારણે બળીને ખાખ થઈ ગયો છે
આગને કાબુમાં લેવા માટે થઈને મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના સાધનો તથા માણસોનો પન્નો ટૂંકો પડ્યો હોવાના કારણે રાજકોટ, ધાંગધ્રા અને હળવદ વિગેરે સેન્ટરોમાંથી ફાયરના વાહનો અને સાધનોને મોરબી બોલાવવામાં આવ્યા હતા અને કારખાનામાં લાગેલ આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે આગ લાગવાની ઘટના સંદર્ભે કારખાનેદાર પંકજભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં કારખાનામાં લાગેલ આગને કાબુમાં લેતા ઘણો સમય લાગ્યો હતો અને ત્યાં સુધીમાં કારખાનાના મેદાનમાં પડેલા વેસ્ટ પેપરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જેથી કરીને અંદાજે ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન આગ લાગવાના કારણે થયેલ છે જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિનો જીવ ગયેલ નથી અને કોઈને ઈજા પણ થયેલ નથી અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી
