મોરબીમાંથી હેરોઈનનો જથ્થો પકડવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના વાવડી રોડ ઉપર લાખોના ખર્ચે રોડ અને ભૂગર્ભ બનાવ્યા છતાં પણ મહેન્દ્રપરા-માધાપરામાં ઘરમાં ગટરના પાણી ઘૂસવાના પ્રશ્ન યથાવત..!
SHARE







મોરબીના વાવડી રોડ ઉપર લાખોના ખર્ચે રોડ અને ભૂગર્ભ બનાવ્યા છતાં પણ મહેન્દ્રપરા-માધાપરામાં ઘરમાં ગટરના પાણી ઘૂસવાના પ્રશ્ન યથાવત..!
મોરબી નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની રકમ મંજૂર કરીને મોરબીનો વાવડી રોડ બનાવવામાં આવ્યો હતો અને મોરબીના વાવડી રોડની બાજુમાંથી ગટરના પ્રશ્નોના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી હતી.જોકે વાવડી રોડ સારી રીતે ચાલવાલાયક નથી અને અનેક જગ્યાએ ઉબડખાબડ લેવલિંગ વગરનો રોડ બનેલો છે જેનાથી લોકો પીડાઈ રહ્યા છે.તેવામાં વધુ એક સમસ્યા સામે આવી છે કે વરસાદ સમયે ભૂગર્ભના પાણી વરસાદી નિકાલ માટે બનાવવામાં આવેલી ભૂગર્ભમાં જતા નથી અને પાછા મહેન્દ્રપરા તેમજ માધાપરા તરફ જતા હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી અને ગટરના પાણી ઘૂસી રહ્યા છે.આ બાબતે અનેક વખત પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નકકર પગલાં લેવામાં આવતા ન હોય સ્થાનિકોમાં રોષ પ્રવૃતિ રહ્યો છે.
અનેક રજૂઆતના અંતે પાંચેક વર્ષ પહેલા મોરબીનો વાવડી રોડ નવો બનાવવામાં આવ્યો હતો અને ત્યારે આ વાવડી રોડને રાજકોટના કાલાવડ રોડ જેવો બનાવવાની વાતો કરવામાં આવી હતી.પરંતુ વાસ્તવિકતા શું છે.તે મોરબીવાસીઓ સારી રીતે જાણે છે.વાવડી રોડ ઉપર અનેક જગ્યાએ લેવલીંગ વગરનો રોડ બનાવ્યો હોય સાત કરોડથી વધુની માતબર રકમથી બનાવવામાં આવેલા રોડ ઉપર અનેક જગ્યાએ ઊંચક-નીચક હોવાના લીધે વાહન ચાલકો હેરાન થાય છે.ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો જતા હોય ત્યારે ઓચિંતા કટ વાળો ઢાળ આવવાથી તેઓ બેલેન્સ ગુમાવી દે અને અકસ્માત સર્જાય તેવા અનેક બનાવ અગાઉ પણ બની ચૂક્યા છે.તે ઉપરાંત વાત કરીએ તો આ સાત કરોડના બનેલા વાવડી રોડની સમાંતર વરસાદી પાણીના નિકાલ માટે ચેનલ (ગટર) બનાવવામાં આવેલી છે અને તેનો નિકાલ વાવડી ચોકડી તરફ ધુતારીમાં આપવામાં આવ્યો છે.પરંતુ યોગ્ય રીતે કામ ન થયું હોવાના લીધે હાલ લોકો સમસ્યા ભોગવી રહ્યા છે.વરસાદી પાણીનો નિકાલ થવાના બદલે આ વરસાદી પાણી અને સાથે ગટરના ગંદા પાણી મોરબીના માધાપરા અને મહેન્દ્રપરા વિસ્તારની અંદર લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે અને આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી હોય અનેક વખત પાલિકામાં લેખિત ફરિયાદ કરવા છતાં પણ યોગ્ય નિકાલ આવ્યો નથી જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.હાલ થોડો અમથો વરસાદ આવ્યો છે તો પણ અહીંયા લોકોના ઘરમા ગટરના પાણી ઘૂસી ગયા તેવી સ્થિતિ છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
મોરબીના મહેન્દ્રપરા અને માધાપરા નજીક રહેતા નરેશભાઈ બી. ઠાકર દ્વારા મોરબી પાલિકામાં બે વખત આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી અને હાલ તેઓના તથા શેરીમાં અન્ય લોકોના ઘરમાં ગટરના પાણી ઘૂસી ગયા હોય ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે.તેઓના જણાવ્યા પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા મેઇન રોડ અને પંચાસર રોડના ખૂણાથી કપિલા હનુમાન ચોક વાવડી રોડના ખૂણા સુધીમાં ભૂગર્ભ ગટર ચોકઅપ હોવાના લીધે ગટર તેમજ વરસાદી પાણીનો નિકાલ થતો નથી.જેને લઈને ત્યાંના રહેવાસીઓના ઘરમાં ગટરના પાણી પાછા આવી રહ્યા છે.ઘરમાં ગટરના પાણી ઘૂસી રહ્યા હોય આ બાબતે સ્થાનિકો દ્વારા પાલિકામાં અનેક રજૂઆતો કરવામાં આવી છે પણ તેની કોઈ અસર ન હોય તેઓ ઘાટ સર્જાયો છે.કોઈ જાતની રીપેરીંગ કામગીરી કે ગટર સફાઈનું કામકાજ પાલિકા તંત્ર દ્વારા ત્યાં કરવામાં આવતું નથી.વળી રજૂઆત કરનારાઓને વ્યવસ્થિત જવાબ પણ આપવામાં આવતા નથી..!
અત્રે નોંધનીય છે કે મોરબીના પંચાસર રોડના ખૂણાથી કપિલા હનુમાન ચોક સુધી અને ત્યાંથી વાવડી રોડ થઈને ધુતારી સુધી ગટર લાઈન નાખવામાં આવેલી હતી અને ગટર તથા વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે મોટી રકમ પાલિકા તંત્ર દ્વારા ખર્ચવામાં આવી હતી.પરંતુ કેવું કામ થયું છે તે હાલ લોકોના ઘરમાં ઘૂસી રહેલા ગટરના પાણી ઉપરથી ફલિત થઈ રહ્યું છે. હાલમાં વરસાદી પાણી અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાના લીધે મોરબીના મહેન્દ્રપરા રોડ ઉપર તથા માધાપરા વિસ્તારની અંદર થોડા અમથા વરસાદમાં પણ લોકોના ઘરમાં વરસાદ અને ગટરના પાણી ઘૂસી જાય તેવી સમસ્યા હાલ જોવા મળી રહી છે.અને આ મુદ્દે રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા તે બાબતએ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી જેને લઈને હાલ ત્યાના સ્થાનિકોમાં તંત્ર અને સતાધારી પક્ષ ભાજપ પ્રત્યે રોષ ફેલાયો છે.
