મોરબીના મકનસર નજીક અકસ્માતના બનાવમાં યુવાનનું મોત: ટંકારાના ઘુનડા (સ) ગામે અવાડા પાસેથી યુવાનની લાશ મળી
SHARE
મોરબીના મકનસર નજીક અકસ્માતના બનાવમાં યુવાનનું મોત: ટંકારાના ઘુનડા (સ) ગામે અવાડા પાસેથી યુવાનની લાશ મળી
મોરબી તાલુકાના મકનસર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે ટંકારાના ઘુનડા (સ) ગામે સ્મશાન નજીક અવાડા પાસેથી મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે એપેક્ષ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો હરિકૃષ્ણ પ્રમોદ ઘેના (32) નામનો યુવાન મકનસર ગામ નજીક હતો ત્યારે ત્યાં ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ વાંકાનેરના ભીમગુડા ગામનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રખડતું ભટકતું જીવન જીવતો કિશોરભાઈ અલૂભાઇ આંકરિયા (35) નામનો યુવાન ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે અવેડાની બાજુમાં મૃત્યુ પામેલ હાલતમાં મળી આવતા તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ શંકરભાઈ અલૂભાઇ આંકરિયા (37) રહે. હાલ કડીયાણા તાલુકો હળવદ વાળાને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃત્યુ બાબતે તેના ભાઈને કોઈ શંકા કે વહેમ નથી તેમ છતાં પણ મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવની ટંકારા પોલીસને નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.